વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ૯ ઓગસ્ટે યોજાશે ભવ્ય મહારેલી અને મહાસભા: હડાદથી બેઠક બાદ ખેરોજ, લાંબડીયા અને પોશીનામાં ફરશે રેલી

૯મી ઓગસ્ટ ‘વિશ્વ આદિવાસી દિવસ’ ની સમગ્ર વિસ્તારમાં ઉત્સાહભેર ઉજવણી કરવા માટે વિસ્તૃત આયોજન કરવામાં આવ્યું છે. આ નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા એક વિશાળ મહારેલી તથા મહાસભાનું આયોજન હાથ ધરાયું છે. આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા માટે સૌપ્રથમ હડાદ ગામે સમાજના અગ્રણીઓ અને કાર્યકરોની એક મહત્ત્વની સમીક્ષા મિટિંગ યોજાશે.
મિટિંગ બાદ યોજાનાર આ મહારેલી હડાદ, ખેરોજ, લાંબડીયા અને પોશીના જેવા મુખ્ય વિસ્તારોમાં ફરીને આદિવાસી સંસ્કૃતિ, એકતા અને અધિકારોનો સંદેશો પાઠવશે.
‘ચાલો લાંબડીયા’ ના નારા સાથે ભવ્ય કાર્યક્રમનું આયોજન
આયોજક સમિતિ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ, કાર્યક્રમની મુખ્ય રૂપરેખા નીચે મુજબ રહેશે:
-
મહારેલીનો પ્રારંભ: ૯ ઓગસ્ટના રોજ સવારે ૯:૦૦ કલાકે પારસ વિદ્યાલય, લાંબડીયા ખાતેથી ભવ્ય મહારેલીનો પ્રારંભ થશે.
-
મહાસભાનું આયોજન: રેલી વિવિધ વિસ્તારોમાં પરિભ્રમણ કર્યા પારસ વિદ્યાલય કેમ્પસ, લાંબડીયા ખાતે વિશાળ ‘મહાસભા’ માં ફેરવાશે.
-
આયોજક: વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી સમિતિ (ખેડબ્રહ્મા – પોશીના – હડાદ – દાંતા).
પરંપરાગત વેશભૂષા અને એકતાનો અનોખો સંગમ
આ ઉજવણી અંતર્ગત આદિવાસી સમાજના લોકો પોતપોતાની પરંપરાગત વેશભૂષા, વાજિંત્રો અને સાંસ્કૃતિક ધરોહર સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. “જય જોહાર, જય આદિવાસી, જય ભીલપ્રદેશ” ના નારાઓ સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠશે.
આયોજકો દ્વારા ખેડબ્રહ્મા, પોશીના, હડાદ, દાંતા અને આસપાસના તમામ ગ્રામ્ય વિસ્તારોના આદિવાસી ભાઈ-બહેનો તેમજ યુવાનોને મોટી સંખ્યામાં ‘ચાલો લાંબડીયા’ ના હાકલ સાથે મહારેલી અને મહાસભામાં જોડાવવા માટે ભાવભીનું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.






