ઇડરના મધ્યાહન ભોજનમાં હલકી ગુણવત્તાના અનામી મસાલાની બોલબાલા, બાળકોના આરોગ્ય સામે ખતરો!
હસનપુરા પ્રાથમિક શાળાની ફૂડ પોઈઝનિંગ ઘટના બાદ તંત્ર સામે ગંભીર સવાલો; અમુક અધિકારીઓની રહેમનજર હેઠળ ખાસ સપ્લાયરો પાસે જ ખરીદી કરાવવામાં આવતી હોવાની લોકચર્ચા

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં પ્રાથમિક શાળાઓમાં ચાલતી મધ્યાહન ભોજન (MDM) યોજના ફરી એકવાર ગંભીર વિવાદ અને શંકાના ઘેરામાં આવી છે. શાળામાં અભ્યાસ કરતા ભૂલકાંઓને પૌષ્ટિક અને ગુણવત્તાસભર ભોજન આપવાના સરકારના દાવાઓ વચ્ચે ઇડર તાલુકામાં માન્ય કે બ્રાન્ડેડ કંપનીઓના મસાલાને બદલે ખુલ્લા, વગર પેકિંગના અને હલકી ગુણવત્તાના મસાલા વાપરવામાં આવતા હોવાની વ્યાપક ફરિયાદો અને લોકચર્ચા જાગી છે.
ખુલ્લા અને અનામી મસાલાથી આરોગ્ય સામે ગંભીર જોખમ
મળતી માહિતી મુજબ, તાલુકાની વિવિધ શાળાઓમાં બાળકો માટે રસોઈ બનાવવા માટે કોઈ પણ પ્રકારના માન્ય કે બ્રાન્ડેડ મસાલા વાપરવામાં આવતા નથી. તેના બદલે ચોક્કસ એજન્સીઓ કે સપ્લાયરો પાસેથી છૂટા, પેકિંગ વગરના અને અનબ્રાન્ડેડ મરચું, હળદર, મીઠું તથા અન્ય ગરમ મસાલાઓ ખરીદવામાં આવી રહ્યા છે. આરોગ્ય માટે આ ખુલ્લા મસાલા કેટલા સુરક્ષિત છે તે અંગે ભારે શંકા-કુશંકાઓ સેવાઈ રહી છે. આવા અનામી મસાલાઓમાં ભેળસેળ હોવાની પૂરેપૂરી શક્યતા હોવા છતાં તેનું ખુલ્લેઆમ વિતરણ થઈ રહ્યું છે.
અધિકારીઓની ‘રહેમનજર’ હેઠળ ખરીદીનું મોટું કૌભાંડ?
સ્થાનિક સૂત્રોમાં ચાલતી ચર્ચા મુજબ, મધ્યાહન ભોજન યોજના સાથે સંકળાયેલા કેટલાક જવાબદાર અધિકારીઓની સીધી રહેમનજર હેઠળ આ આખું ખેલ ચાલી રહ્યો છે. મધ્યાહન ભોજનના સંચાલકોને ચોક્કસ એજન્સી કે નક્કી કરેલા સપ્લાયર પાસેથી જ મસાલા ખરીદવા માટે આડકતરી રીતે ફરજ પાડવામાં આવે છે. અધિકારીઓના મેળાપીપણામાં સંચાલકો પણ કોઈ પણ જાતના ડર વગર બેરોકટોક હલકી ગુણવત્તાના મસાલાની ખરીદી કરી રહ્યા છે, જેમાં મોટા પાયે કમિશનખોરી ચાલતી હોવાનો આક્ષેપ પણ ઉઠી રહ્યો છે.
હસનપુરા શાળાની ઘટનામાં મસાલાની ભૂમિકા અંગે શંકા
તાજેતરમાં જ ઇડર તાલુકાની હસનપુરા પ્રાથમિક શાળામાં બાળકોને ખોરાકી ઝેર (ફૂડ પોઈઝનિંગ) થવાની ગંભીર ઘટના બની હતી. આ ઘટના બાદ વાલીઓ અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકચર્ચા મુજબ, હસનપુરા શાળામાં બનેલી ઘટના પાછળ પણ આ છૂટા, પેકિંગ વગરના અને ભેળસેળયુક્ત બનાવટી મસાલા જ મુખ્ય જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. ભોજનમાં વપરાયેલા અનામી મસાલાને કારણે જ બાળકોની તબિયત લથડી હોવાની શક્યતાઓને પગલે તપાસની માંગણી તીવ્ર બની છે.
તટસ્થ તપાસ અને કડક કાર્યવાહીની માંગ
બાળકોના જીવ સાથે ખુલ્લેઆમ થઈ રહેલા આ ખેલ સામે વાલીઓ અને જાગૃત નાગરિકોમાં ભારે આક્રોશ છે. લોકોની માંગ છે કે:
-
આરોગ્ય વિભાગ અને અન્ન-ઔષધ નિયમન તંત્ર (Food & Drugs department) દ્વારા તુરંત જ તમામ શાળાઓ અને સપ્લાયરોના મસાલાના સેમ્પલ લઈ લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવે.
-
ભ્રષ્ટ અધિકારીઓ અને હલકી ગુણવત્તાનો માલ સપ્લાય કરતી એજન્સીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે.
-
શાળાઓમાં માત્ર FSSAI માન્યતાપ્રાપ્ત અને બ્રાન્ડેડ પેક્ડ મસાલા જ વપરાય તેવું સખત નિયમન અમલી બનાવવામાં આવે.
જો સમયસર આ મુદ્દે યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો આગામી દિવસોમાં મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.
સાબર રીપોર્ટર ન્યુઝપેપર (સાપ્તાહિક)
તંત્રી-બાદશાહ પઠાણ મો.૯૮૯૮૬૯૩૯૮૫




