હિંમતનગરના એનજી સર્કલ પાસે ખાડામાંથી ૩ માસની બાળકીનો મૃતદેહ મળતા અરેરાટી, પોલીસે તપાસ શરૂ કરી

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર સ્થિત એનજી સર્કલ નજીકથી એક અત્યંત કરુણ અને હૃદયકાંપક ઘટના સામે આવી છે. એનજી સર્કલ પાસે આવેલા રેલવે ટ્રેક અને પુલ વચ્ચેના ખાડામાંથી આશરે ૩ માસની માસુમ બાળકીનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી અનુસાર, રેલવે ટ્રેક અને પુલની વચ્ચેના ખાડામાં માસુમ બાળકી નિશ્ચેત હાલતમાં પડી હોવા પર એક સ્થાનિક દીકરીની નજર પડી હતી. ઘટનાની ગંભીરતા જોઈને તેણે તાત્કાલિક ૧૧૨ નંબર પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી. કંટ્રોલ રૂમ દ્વારા મેસેજ મળતા જ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો પોલીસ કાફલો તુરંત જ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
ઘટનાની જાણ વાયુવેગે પ્રસરતા આસપાસના લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. માસુમ બાળકીનો મૃતદેહ જોઈને સ્થળ પર હાજર સૌ કોઈના કાળજા કંપી ઉઠ્યા હતા અને લોકોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી.
પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને બાળકીના મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. આ માસુમ બાળકીનો મૃતદેહ અવાવરૂ જગ્યાએ કેવી રીતે પહોંચ્યો? બાળકીને કોઈ ત્યજી ગયું છે કે પછી તેની પાછળ કોઈ ગુનાહિત ષડયંત્ર છે? તે તમામ દિશાઓમાં બી ડિવિઝન પોલીસે ઘનન તપાસ શરૂ કરી છે. આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવાની સાથે સ્થાનિક સ્તરે પણ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.




