ચાંપલપુરના ઓમકારેશ્વર મહાદેવ મંદિરે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી: કૃષ્ણ વૃંદાવન થીમ આધારિત રોશની અને રાસ-ગરબાથી વાતાવરણ ભક્તિમય બન્યું

ખેડબ્રહ્મા તાલુકાના ચાંપલપુર સ્થિત ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે જન્માષ્ટમી પર્વની ભારે શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહસભર માહોલમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર અવસરે મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન શ્રીકૃષ્ણના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.
જન્માષ્ટમી નિમિત્તે મંદિર પરિસરને ‘કૃષ્ણ વૃંદાવન’ થીમ આધારિત આકર્ષક રીતે શણગારવામાં આવ્યું હતું. આ વિશેષ સજાવટ ઓમકારેશ્વર મહાદેવ યુવક મંડળ, નિધિ રાવલ અને વિશ્વા દીક્ષિત દ્વારા તૈયાર કરવામાં આવી હતી. સુંદર રોશની અને મનોહર શણગારને કારણે સમગ્ર મંદિર પરિસર ભક્તિમય ઉર્જાથી ઝળહળી ઉઠ્યું હતું.

પર્વ નિમિત્તે ભગવાન શામળિયાજીને અત્યંત સુંદર વસ્ત્રો, આભૂષણો અને વિશેષ શણગાર ધરાવવામાં આવ્યો હતો. શાસ્ત્રોક્ત વિધિ મુજબ બ્રાહ્મણ દ્વારા ભગવાન શામળિયાજીનો દૂધથી અભિષેક કરવામાં આવ્યો હતો, ત્યારબાદ વિશેષ પૂજા-અર્ચના અને ધાર્મિક વિધિઓ સંપન્ન થઈ હતી.
રાત્રિના બરાબર ૧૨ વાગ્યે કૃષ્ણ જન્મોત્સવની મુખ્ય આરતી યોજાઈ હતી. આરતી દરમિયાન સમગ્ર મંદિર પરિસર ‘જય શ્રીકૃષ્ણ’ અને ‘નંદ ઘેર આનંદ ભયો’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. આરતી પૂર્ણ થયા બાદ ભક્તોએ પરંપરાગત રાસ-ગરબા રમીને કૃષ્ણ જન્મોત્સવનો આનંદ માણ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તોમાં અદભુત ઉત્સાહ અને અટલ શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો હતો.




