ગાંભોઈ પોલીસની માનવતાવાદી કામગીરી: પરિવારથી વિખૂટા પડેલા રાજસ્થાનના યુવકનું મિલન કરાવ્યું, જમવાની સગવડ કરી ઘરે જવાનું ભાડું આપ્યું

સાબરકાંઠા જિલ્લાના ગાંભોઈ પોલીસ સ્ટેશન દ્વારા એક ઉત્કૃષ્ટ અને માનવતાવાદી કામગીરી હાથ ધરીને પોતાના પરિવારથી વિખૂટા પડેલા રાજસ્થાનના યુવકને મદદ પહોંચાડી તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું છે.
મજૂરીકામની શોધમાં નીકળેલો યુવક અટવાયો હતો ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ તથા સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહિલની સૂચના મુજબ અને વિભાગીય પોલીસ અધિક્ષક એ. કે. પટેલના માર્ગદર્શન હેઠળ ગાંભોઈ પોલીસ ટીમ કાર્યરત હતી. તે દરમિયાન ૧૧૨ ‘જનરક્ષક’ મોબાઈલ વાનના કર્મચારીઓ માથાસુલિયા ગામેથી એક અજાણ્યા યુવકને ગાંભોઈ પોલીસ સ્ટેશન ખાતે લાવ્યા હતા.
પોલીસ સ્ટાફે આ યુવકની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ દિનેશસિંહ મીતુસિંહ રાવત (ઉંમર વર્ષ ૨૯, રહે. અજીતગઢ, તા. ભીમ, જિ. રાજસમંદ, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. યુવકે વધુમાં માહિતી આપતા જણાવ્યું કે, તે છેલ્લા ત્રણેક દિવસથી પોતાના ઘરેથી હિંમતનગર ખાતે મજૂરીકામ અર્થે નીકળ્યો હતો. પરંતુ મજૂરીકામ ન મળતા તે પોતાના વતન પરત જઈ રહ્યો હતો. તેની પાસે મુસાફરી માટે ભાડાના નાણાં ન હોવાથી તે બસ સ્ટેન્ડમાં રોકાયો હતો અને રસ્તો ભૂલી જતાં અજાણ્યો થઈ અટવાઈ પડ્યો હતો.
પોલીસે ચા-નાસ્તો અને જમવાની વ્યવસ્થા કરી મદદ કરી યુવકની સ્થિતિ જોઈને ગાંભોઈ પોલીસે તેને તુરંત ચા-પાણી, નાસ્તો તેમજ જમવાની ઉત્તમ સગવડ પૂરી પાડી હતી. ત્યારબાદ પોલીસે તેના પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા યુવકે તેના કાકા ગોપાલસિંહ નાથુસિંહ રાવતનો મોબાઈલ નંબર આપ્યો હતો. પોલીસે તેમના કાકા સાથે વાતચીત કરી યુવક ઘરેથી ત્રણ દિવસથી નીકળી ગયો હોવાની ખાતરી કરી હતી.
વિડીયો કોલથી પરિવાર સાથે વાત કરાવી ભાડું આપી રવાના કર્યો પરિવારજનો ગાંભોઈ સુધી આવી શકે તેમ ન હોવાથી, ગાંભોઈ પોલીસે યુવકના વતનના નજીકના પોલીસ સ્ટેશન (ભીમ પોલીસ સ્ટેશન, રાજસ્થાન) ના બીટ પ્રભારી લાલારામ સાથે વિડીયો કોલ દ્વારા સંપર્ક કરાવી પરિવારજનો સાથે વાતચીત કરાવી આપી હતી. ત્યારબાદ યુવક સુરક્ષિત રીતે પોતાના ઘરે પહોંચી શકે તે માટે પોલીસે પોતાના ખર્ચે ભાડાની વ્યવસ્થા કરી આપી તેને સসম্মાન વતન તરફ રવાના કર્યો હતો.
કામગીરી કરનાર પોલીસ ટીમ: આ સરાહનીય કામગીરી ગાંભોઈ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર એ. આર. ચૌધરી, એ.એસ.આઈ. ભરતકુમાર પરષોત્તમભાઈ (બ.નં. ૨૫૦) અને આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ ચંદ્રેશકુમાર હિંમતલાલ (બ.નં. ૩૩૩) દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી હતી.




