વલાસણા પુલ નીચે ગેરકાયદે ખનન : તંત્ર મૌન, માફિયા બેફામ

સાબરકાંઠા જિલ્લામાં ફરી એકવાર ખાણ ખનીજ વિભાગ અને સ્થાનિક તંત્રની કાર્યશૈલી પર ગંભીર સવાલો ઊભા થયા છે. ઈડર તાલુકામાંથી પસાર થતી સાબરમતી નદીના વલાસણા-ઉંડણી પુલ નીચે ગેરકાયદે રેતી ખનનનો ધંધો ખુલ્લેઆમ ચાલતો હોવા છતાં સંબંધિત અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા હોવાની ચર્ચા લોકમુખે ઉઠી રહી છે.
માહિતી મુજબ, કેટલાક ખનીજ માફિયાઓ મોડી રાત્રે જેસીબી અને લોડર મશીનોની મદદથી સાબરમતી નદીના પટમાંથી મોટા પ્રમાણમાં રેતી ખોદી ટ્રેક્ટર અને અન્ય વાહનોમાં ભરીને રોડ મારફતે લઈ જઈ રહ્યા છે. ખાસ કરીને રાત્રે ૧૧ વાગ્યા બાદ આ પ્રવૃત્તિ તેજ બની જાય છે, છતાં ઓવરલોડ વાહનોનું ચેકિંગ કરવા માટે ન તો પોલીસ તંત્ર સક્રિય દેખાય છે અને ન ખાણ ખનીજ વિભાગ તરફથી કોઈ અસરકારક કાર્યવાહી થતી જોવા મળે છે.
જિલ્લામાં અનેક સ્થળોએ આવી જ પરિસ્થિતિ સર્જાઈ છે જ્યાં નદીના પટમાંથી ગેરકાયદે ખનન કરીને સરકારને આવકમાં નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે આ બાબતોની જાણ હોવા છતાં અધિકારીઓ દ્વારા કોઈ કડક પગલાં લેવામાં આવતા નથી, જેના કારણે ખનીજ માફિયાઓ વધુ બેફામ બન્યા છે.
સતત થઈ રહેલા રેતી ખનનના કારણે નદીઓમાં અનેક જગ્યાએ ઊંડા ખાડા સર્જાયા છે, જે ભવિષ્યમાં ગંભીર પર્યાવરણીય નુકસાનનું કારણ બની શકે છે. નદીકાંઠે આવેલા ખેડૂતોની જમીન ધોવાઈ રહી છે, જ્યારે રસ્તા પર દોડતા રેતી ભરેલા વાહનોના કારણે ઉડતી ધૂળથી આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. આ પરિસ્થિતિ લોકોના આરોગ્ય માટે પણ જોખમરૂપ બની રહી છે.
સ્થાનિક લોકોમાં એવી માન્યતા પણ પ્રચલિત બની રહી છે કે કેટલાક અધિકારીઓની રહેમ નજર હેઠળ આ ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલે છે. જો ખાણ ખનીજ વિભાગ, મામલતદાર કચેરી અને પોલીસ તંત્ર સંયુક્ત રીતે કડક કાર્યવાહી કરે તો આ રેતી ચોરીને રોકી શકાય તેમ છે.
હવે જોવાનું રહ્યું કે વલાસણા-ઉંડણી પુલ નીચે ચાલી રહેલી ખનીજ ચોરી સામે તંત્ર કોઈ સખત પગલાં લે છે કે પછી ફરી એકવાર આ મુદ્દે મૌન વલણ અપનાવવામાં આવે છે.




