પોશીનાના લાંબડીયા-કોટડા માર્ગ પર દેમતી નજીક બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત: ઈકો ગાડી પુલિયા નીચે ખાબકી, કારચાલક ઈજાગ્રસ્ત

પોશીનાના લાંબડીયા-કોટડા માર્ગ પર દેમતી નજીક બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત: ઈકો ગાડી પુલિયા નીચે ખાબકી, કારચાલક ઈજાગ્રસ્ત
પોશીના: પોશીના તાલુકાના લાંબડીયા થી કોટડા તરફ જતા મુખ્ય માર્ગ પર દેમતી ગામ નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. બે કાર વચ્ચે થયેલી આમને-સામનેની અથડામણમાં કારનો ચાલક ઈજાગ્રસ્ત થયો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ ઘટનાની વિગત: મળતી માહિતી મુજબ, લાંબડીયા અને કોટડા રોડ પર ઈકો ગાડીના ચાલકો દ્વારા બેફામ અને પૂરપાટ ઝડપે વાહનો હાંકવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે. દરમિયાન દેમતી નજીકથી પસાર થઈ રહેલી એક ઈકો કાર અને અન્ય કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ઈકો કાર રોડ સાઈડમાં આવેલા સિમેન્ટના નાળા/પુલિયા નીચે પથ્થરો પર ખાબકી ગઈ હતી, જ્યારે બીજી કારની પડખાની બાજુનો ભાગ નુકસાન પામ્યો હતો.
ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયા: આ ઘટનામાં કાર ચાલકને શરીરના ભાગે ઈજાઓ પહોંચી હતી. અકસ્માત થતાં જ આસપાસના લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા અને સ્થાનિકોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી ઈજાગ્રસ્ત ચાલકની મદદ કરી હતી.
સ્થાનિકોમાં રોષ: આ માર્ગ પર અવારનવાર ઈકો ચાલકો દ્વારા બેફામ ઝડપે ગાડીઓ દોડાવવામાં આવતી હોવાથી અકસ્માતનો ભય સતત રહે છે. સ્થાનિક રહીશો દ્વારા આવા બેફામ વાહનચાલકો સામે કડક પોલીસ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.





