અંબાજી ભાદરવી પૂનમ મેળા માટે રેલવેનો મોટો નિર્ણય: અસારવા-ખેડબ્રહ્મા વચ્ચે ‘મેળા સ્પેશિયલ મેમુ ટ્રેન’ શરૂ, પદયાત્રીઓને મોટી રાહત

ભાદરવી પૂર્ણિમાના મહાપર્વને લઈને અંબાજી અને ખેડબ્રહ્મા ખાતે દર્શનાર્થે જતા અસંખ્ય પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓ માટે રેલવે તંત્ર દ્વારા એક ખુશખબર આપવામાં આવ્યા છે. સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયાની રજૂઆતને પગલે રેલવે દ્વારા અહમદાબાદના અસારવા રેલવે સ્ટેશનથી ખેડબ્રહ્મા વચ્ચે ‘મેળા સ્પેશિયલ મેમુ ટ્રેન’ દોડાવવાનો નિર્ણય લેવાયો છે. આ સ્પેશિયલ ટ્રેન આગામી ૧ ઓક્ટોબર સુધી દરરોજ નિયમિતપણે સેવા આપશે, જેનાથી લાખો ભક્તોની યાત્રા વધુ સુગમ બનશે.
સાંસદ ધજા સાથે ટ્રેનમાં સવાર થઈ ખેડબ્રહ્મા પહોંચ્યા આ વિશેષ ટ્રેનની શરૂઆત પ્રસંગે સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયા સ્થાનિક જિલ્લાના આગેવાનો સાથે અસારવાથી ટ્રેનમાં સવાર થઈને ખેડબ્રહ્મા પહોંચ્યા હતા. અંબાજી માતાજી મંદિર, ખેડબ્રહ્મા ખાતે ચઢાવવા માટે હાથમાં ધજા લઈને તેમણે રેલવે સફર કરી હતી. ખેડબ્રહ્મા સ્ટેશન પર ઉતરીને સાંસદ અને શ્રદ્ધાળુઓ ગરબે ઘૂમતા અને પદયાત્રા કરીને મંદિર સુધી પહોંચ્યા હતા, જ્યાં તેમણે પૂજા-અર્ચના કરી ધજા રોપણ કર્યું હતું તેમજ વિસ્તારના વિકાસ અને સમૃદ્ધિ માટે માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા.
રૂટ અને મહત્વના સ્ટોપેજ આ મેળા સ્પેશિયલ ટ્રેન અસારવાથી ઉપડીને હિંમતનગર થઈ ખેડબ્રહ્મા પહોંચશે. યાત્રીઓની સગવડતા માટે આ ટ્રેનને નીચે મુજબના મુખ્ય સ્ટેશનો પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે:
-
નરોડા
-
દહેગામ
-
તલોદ
-
પ્રાંતિજ
-
હિંમતનગર
-
જાદર
-
ઈડર
-
વડાલી
ભાદરવી પૂનમના મેળા દરમિયાન અંબાજી અને ખેડબ્રહ્મા તરફ જતાં માર્ગો પર ભક્તો અને પદયાત્રીઓની ભારે ભીડ જોવા મળે છે. આ સંજોગોમાં રેલવે દ્વારા શરૂ કરાયેલી આ સ્પેશિયલ ટ્રેન સેવા શ્રદ્ધાળુઓ માટે સમય અને શ્રમ બંનેની બચત કરનારી સાબિત થશે.
“ભાદરવી પૂનમે આવતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે મારી રજૂઆતને ધ્યાને રાખી રેલવે વિભાગે આ મેળા સ્પેશિયલ ટ્રેન શરૂ કરી છે, જેનાથી પદયાત્રીઓને ખૂબ મોટી રાહત મળશે.”
— શોભનાબેન બારૈયા (સાંસદ, સાબરકાંઠા)




