ઈડર APMC ભરતી વિવાદ: નિયામકે અગાઉનો હુકમ યથાવત રાખ્યો, ૧૨ કર્મચારીઓના ભાવિનો નિર્ણય હવે હાઈકોર્ટમાં

ઈડર APMC ભરતી વિવાદ: નિયામકે અગાઉનો હુકમ યથાવત રાખ્યો, ૧૨ કર્મચારીઓના ભાવિનો નિર્ણય હવે હાઈકોર્ટમાં
ઈડર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) માં થોડા મહિનાઓ અગાઉ ૧૨ કર્મચારીઓની કરાયેલી ભરતીનો મામલો ફરી એકવાર ભારે વિવાદમાં આવ્યો છે. નિયામક દ્વારા અગાઉના ભરતી રદ કરવાના હુકમને યથાવત રાખવામાં આવતા હવે આ ૧૨ કર્મચારીઓનું ભાવિ નામદાર હાઈકોર્ટના આગામી નિર્ણય પર ટકેલું છે. સગાવાદના આક્ષેપો અને તપાસ ઈડર માર્કેટયાર્ડમાં તત્કાલિન ચેરમેન અને ડિરેક્ટરો દ્વારા નિયમ વિરુદ્ધ અને સગાવાદ આચરીને ૧૨ કર્મચારીઓની ભરતી કરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો થયા હતા. આ મામલે સ્થાનિક નાગરિકો હેમંત પટેલ અને કિરીટ પટેલ દ્વારા જિલ્લા રજિસ્ટ્રાર તેમજ ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર નિયામક, ગાંધીનગર સમક્ષ રજૂઆત કરી ભરતી રદ કરવાની માંગ કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે સમગ્ર જિલ્લાના સહકારી રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો હતો.નિયામકનો પ્રથમ હુકમ અને હાઈકોર્ટની કાર્યવાહી જિલ્લા રજિસ્ટ્રારના તપાસ અહેવાલના આધારે, ગાંધીનગર નિયામકે તા. ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ ઈડર APMCની ભરતી પ્રક્રિયા તેમજ તેને લગતા ઠરાવો રદ કરવાનો હુકમ કર્યો હતો. આ હુકમથી નારાજ થઈને ઈડર APMC અને સંબંધિત કર્મચારીઓએ હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા.હાઈકોર્ટે તા. ૪ મે ૨૦૨૬ના રોજ નિયામકના ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૫ના હુકમને રદ કરીને આ મામલે ફરીથી તપાસ કરવા અને ચાર માસની અંદર અહેવાલ રજૂ કરવા નિર્દેશ આપ્યો હતો. નિવૃત્તિના દિવસે જ નિયામકનો મહત્વનો હુકમ હાઈકોર્ટે આપેલી સમયમર્યાદા પૂર્ણ થવાના આરે હતી ત્યારે નિયામક એચ.આર. પટેલ પોતાની નિવૃત્તિના દિવસે, એટલે કે તા. ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ, ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૫ના અગાઉના હુકમને યથાવત રાખતો નવો આદેશ જારી કર્યો હતો.હવે આગળ શું? નિયામક દ્વારા ભરતી રદ કરવાનો અગાઉનો આદેશ યથાવત રાખવામાં આવતા ૧૨ કર્મચારીઓની નોકરી પર ફરીથી તલવાર લટકી રહી છે. નિયામકના આ આદેશ બાદ સમગ્ર મામલો ફરી હાઈકોર્ટ સમક્ષ પહોંચે તેવી પૂરતી શક્યતાઓ છે. આ ૧૨ કર્મચારીઓની ભરતી કાયમી રહેશે કે રદ થશે, તેનો આખરી દારમદાર હવે હાઈકોર્ટના ચુકાદા પર રહેશે.




