સાબરકાંઠાના બેરણા ધામમાં મહાશિવરાત્રી નિમિત્તે વિશ્વ શાંતિ માટે ભવ્ય મહાજ્યોત પ્રજ્વલિત

શીતલ ઠાકર,ગાંધીનગર
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના બેરણા ગામ ખાતે આવેલા પ્રસિદ્ધ બેરણા ધામમાં મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ભવ્ય અને ભક્તિમય માહોલ સર્જાયો હતો. આ અવસરે ૫૦ ફૂટ ઊંચી ભગવાન શિવજીની ભવ્ય પ્રતિમા સમક્ષ વિશ્વ શાંતિ અને સર્વજન સુખાકારીના સંકલ્પ સાથે વિશાળ મહાજ્યોત પ્રજ્વલિત કરવામાં આવી હતી.આ મહાજ્યોત સવા મણ રૂ અને ૫૦ કિલો ઘીનો ઉપયોગ કરીને પરંપરાગત વિધિ મુજબ તૈયાર કરવામાં આવી હતી. મહાજ્યોત પ્રગટાવ્યા બાદ ભક્તોએ ભગવાન ભોળાનાથની વિધિવત પૂજા-અર્ચના કરી હતી. મહાશિવરાત્રીના દિવસે બેરણા ધામમાં શિવભક્તોની ભારે ભીડ જોવા મળી હતી અને સમગ્ર પરિસર “ઓમ નમઃ શિવાય”ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.મહાજ્યોતના દર્શન માટે દુરદુરથી ભક્તો ઉમટી પડ્યા હતા. ભક્તોએ જાતે પણ ઘીનો અભિષેક કરી આધ્યાત્મિક શાંતિ અને આત્મિક સંતોષનો અનુભવ કર્યો હતો. બેરણા ધામમાં મહાશિવરાત્રીની આ અનોખી ઉજવણી વર્ષોથી ચાલી આવતી પરંપરા છે, જે હવે આ વિસ્તારની આગવી ઓળખ બની ગઈ છે.માત્ર મહાશિવરાત્રીના દિવસે જ નહીં, પરંતુ વર્ષભર બેરણા ધામમાં ભક્તોની અવરજવર જોવા મળે છે. અહીં આવનાર ભક્તો ભવ્ય શિવ પ્રતિમા અને મહાજ્યોતના દર્શન કરીને આત્મિક શાંતિનો અનુભવ કરે છે તેમજ મહામેળો અને વન-ડે પિકનિકનો આનંદ માણી ભક્તિ અને આનંદનો સુમેળ અનુભવે છે.





