હિંમતનગરના બેરણા ખાતે રક્તદાન કેમ્પમાં ૭૧ યુનિટ રક્ત એકત્રિત કરાયું
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેસાસણ અને જી.એમ.એ.આર.એસ. હિંમતનગરનો સંયુક્ત પ્રયાસ

શીતલ ઠાકર,ગાંધીનગર
સાબરકાંઠા જિલ્લામાં સ્વૈચ્છિક રક્તદાનને પ્રોત્સાહન આપતા વધુ એક સફળ પ્રયાસ તરીકે હિંમતનગરના બેરણા ખાતે આયોજિત રક્તદાન કેમ્પમાં કુલ ૭૧ યુનિટ સંપૂર્ણ રક્ત એકત્રિત કરવામાં આવ્યું છે.હિંમતનગરના બેરણા ખાતે આયોજિત સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેસાસણ, જી.એમ.એ.આર.એસ. હિંમતનગર અને જાયન્ટ્સ સહિયર હિંમતનગરના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં કુલ ૭૧ યુનિટ સંપૂર્ણ રક્ત એકત્રિત કરવામાં આવ્યું. કેમ્પ પહેલા તબીબી ટીમ દ્વારા દાતાઓને માર્ગદર્શન અને જરૂરી તપાસ કરવામાં આવી હતી, જેના કારણે મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું. જિલ્લા વિકાસ અધિકારીની સૂચના અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ સાબરકાંઠા જિલ્લામાં સેફ બ્લડ એન્ડ બ્લડ કોમ્પોનન્ટ થેરાપીને મજબૂત બનાવવા સતત રક્તદાન કેમ્પો યોજાઈ રહ્યા છે. એપ્રિલ ૨૦૨૫થી જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન આયોજિત ૪૧૩ કેમ્પોમાં કુલ ૧૩,૬૦૯ યુનિટ રક્ત સંગ્રહ કરવામાં આવ્યું છે, જે ઇમરજન્સી સારવાર, માતા-શિશુ આરોગ્ય અને ક્રિટિકલ કેર સેવાઓ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે. સાબરકાંઠા જિલ્લામાં સ્વૈચ્છિક રક્તદાનની મજબૂત વ્યવસ્થા દ્વારા સુરક્ષિત રક્ત ઉપલબ્ધતા વધારવાના પ્રયત્નો સતત આગળ વધી રહ્યા છે.





