રામનવમીની પવિત્ર શોભાયાત્રા શાંતિપૂર્વક યોજાય તે માટે હિંમતનગરમાં પોલીસ તંત્ર સજ્જ

શીતલ ઠાકર,ગાંધીનગર
સાબરકાંઠા જિલ્લામાં રામનવમી પર્વને ધ્યાનમાં રાખી હિંમતનગર શહેરમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું. જિલ્લા પોલીસ વડા એસપી ડો. પાર્થરાજસિંહ ગોહિલની આગેવાનીમાં યોજાયેલા આ પેટ્રોલિંગમાં ૫૦થી વધુ સિનિયર પોલીસ અધિકારીઓ જોડાયા હતા.

આ દરમિયાન એ ડિવિઝન, બી ડિવિઝન, ગ્રામ્ય પોલીસ, એલસીબી અને એસઓજીની ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં સંયુક્ત રીતે પેટ્રોલિંગ કર્યું હતું. ખાસ કરીને રામનવમીની શોભાયાત્રા પસાર થનારા માર્ગો પર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવાની તૈયારી હાથ ધરવામાં આવી છે.

રામનવમી નિમિત્તે શહેરમાં આશરે ૨૨૦૦ જેટલા પોલીસ જવાનો સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત રહેશે. સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ નજર રાખી સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.સાથે સાથે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ડ્રોન મારફતે પણ શહેર પર મોનીટરીંગ કરવામાં આવશે.

એસપી ડો. પાર્થરાજસિંહ ગોહિલે નાગરિકોને અફવાઓથી દૂર રહી શાંતિ અને સૌહાર્દ જાળવવા અપીલ કરી છે.





