ટોપ સ્ટોરીઝ

હિંમતનગરમાં ભાજપને અંદરથી ઝાટકો! વોર્ડ નં.૪માં પેનલ તૂટી – “સીંગલ વોટિંગ” પાછળ કોણ?

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર નગરપાલિકાની ૧૧ વોર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર થયા બાદ રાજકીય વર્તુળોમાં ખાસ કરીને વોર્ડ નં.૪ને લઈને ભારે ચર્ચા જાગી છે. વર્ષોથી ભાજપનો ગઢ માનાતો આ વોર્ડ આ વખતે અંદરખાને થયેલી ગતિવિધિઓના કારણે હચમચી ગયો છે. ભાજપની સંપૂર્ણ પેનલ જીતવાની જગ્યાએ માત્ર એક જ ઉમેદવાર વિજેતા બનતા સંગઠનની અંદરની ગડબડ ખુલ્લી પડી છે.

મતગણતરીના આંકડાઓ સ્પષ્ટ સંકેત આપે છે કે અહીં આયોજનબદ્ધ રીતે “સીંગલ વોટિંગ” કરાવવામાં આવ્યું છે. એક બૂથમાં પડેલા ૭૩૬ મત મુજબ ચારેય ઉમેદવારને કુલ ૨૯૪૪ મત મળવા જોઈએ હતા, પરંતુ વાસ્તવમાં માત્ર ૨૩૧૪ મત જ મળ્યા. એટલે કે અંદાજે ૬૩૦ મતની ઘટ, જે ત્રણ ઉમેદવારોની હારનું મુખ્ય કારણ બની. સરેરાશ દરેક ઉમેદવારને ૨૦૦ જેટલા મત ઓછા મળ્યા હોવાનું ગણિત બતાવે છે.

રાજકીય વિશ્લેષણ મુજબ આ માત્ર સામાન્ય મતભેદ નહીં પરંતુ આંતરિક ગઠબંધન અને પક્ષવિરોધી પ્રવૃત્તિનું પરિણામ માનવામાં આવી રહ્યું છે. ખાસ કરીને શક્તિનગર અને આંબાવાડી વિસ્તારોમાં ૩૦૦થી વધુ મતદારો દ્વારા સીંગલ વોટિંગ કરવામાં આવ્યાની ચર્ચાએ વધુ શંકા ઊભી કરી છે. નોંધનીય છે કે વર્ષ ૨૦૧૫માં પણ આ જ પોકેટમાં સમાન પરિસ્થિતિ સર્જાઈ હતી અને તે સમયે પણ એ જ ઉમેદવાર જીત્યા હતા, જે આ વખતે એકમાત્ર વિજેતા બન્યા છે.

ચૂંટણી પહેલાં થયેલા વોર્ડ સીમાંકન દરમિયાન એક કોર્પોરેટરે ઉઠાવેલા વાંધાને કારણે ૪૦૦થી વધુ મત ધરાવતા બે પોકેટ મૂળ સ્થિતિમાં મૂકાયા હતા. જો આ ફેરફાર ન થયો હોત તો ભાજપ માટે ચારેય બેઠકો ગુમાવવાની સ્થિતિ સર્જાઈ હોત. છતાં, આ વખતે પણ પક્ષ આંતરિક અસંતોષને સંભાળી શક્યો નથી.

ભાજપના ઉમેદવાર ડૉ. જાનકી રાવલે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે ટિકિટ વિતરણમાં અસંતોષને કારણે કેટલાક અગ્રણીઓએ પૂર્વ ધારાસભ્યના નામે ખોટી વાતો ફેલાવી પક્ષવિરોધી પ્રચાર કર્યો હતો. આ મામલે પૂરાવા જિલ્લા સંગઠન સમક્ષ રજૂ કરવાની તૈયારી પણ દર્શાવવામાં આવી છે. ખાસ કરીને મહિલા મોરચાના મુદ્દે ઉભા થયેલા મતભેદો ચૂંટણીના પરિણામમાં સ્પષ્ટપણે દેખાયા છે.

હવે સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થયો છે કે જિલ્લા અને પ્રદેશ સ્તરના મોવડીઓ આ મુદ્દાને કેટલી ગંભીરતાથી લે છે. શું માત્ર ચર્ચા સુધી મર્યાદિત રહેશે કે ખરેખર જવાબદારો સામે કડક કાર્યવાહી થશે? કારણ કે વોર્ડ નં.૪માં થયેલી આ હાર માત્ર ત્રણ બેઠકો ગુમાવવાનો મુદ્દો નથી, પરંતુ પક્ષની વિશ્વસનીયતા અને શિસ્ત માટે પણ પડકાર સમાન છે.

હિંમતનગરને અત્યાર સુધી ભાજપનો મજબૂત ગઢ માનવામાં આવતો હતો, પરંતુ આ પરિણામે સ્પષ્ટ કરી દીધું છે કે અંદરના ભંગાણને સમયસર નહીં અટકાવાય તો ગઢ પણ ગાબડાઈ શકે. હવે નજર સંગઠનની કાર્યવાહી પર ટકેલી છે – કારણ કે જવાબદારી નક્કી થશે ત્યારે જ ભવિષ્યની ચૂંટણીમાં વિશ્વાસ પુનઃસ્થાપિત થઈ શકશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!