સાબરકાંઠા

સાબરકાંઠા એલસીબીને મોટી સફળતા: સોલાર પ્લાન્ટમાંથી કેબલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના બે આરોપી ઝડપાયા

સાબરકાંઠા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલસીબી)ને સોલાર પ્લાન્ટમાંથી કોપર કેબલની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કરવામાં મહત્વની સફળતા મળી છે. મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના બે આરોપીઓને ઝડપી તેમની પાસેથી રૂ. 60 હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. સાથે જ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કુલ ત્રણ વણશોધાયેલા ગુનાઓનો ભેદ પણ ઉકેલવામાં આવ્યો છે.

પોલીસના જણાવ્યા મુજબ ઇડર તાલુકાના નેત્રામલી નજીક આવેલા AZURE POWER THIRTY THREE PVT. LTD.ના સોલાર પ્લાન્ટમાંથી અલગ-અલગ સમયે ચાર વખત કોપરના ICx4SQmm રેડ અને બ્લેક કેબલો કાપીને ચોરી કરવામાં આવી હતી. આ અંગે ઇડર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. જિલ્લા પોલીસ વડાની સૂચના બાદ એલસીબીએ ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ, ડમ્પ ડેટા અને હ્યુમન સોર્સના આધારે તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન બાતમીના આધારે દેવગઢ કંંપા ત્રણ રસ્તા નજીક વોચ ગોઠવી મધ્યપ્રદેશ પાસિંગની પલ્સર મોટરસાયકલ પર આવી રહેલા બે શંકાસ્પદ ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી મોટરસાયકલ, બે મોબાઇલ ફોન તથા કેબલ કાપવાની કટર મળી આવતા પૂછપરછમાં તેઓ સોલાર પ્લાન્ટ અને પવનચક્કીઓમાંથી કોપર કેબલ ચોરી કરતી ગેંગના સભ્યો હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 50 હજાર કિંમતની પલ્સર-150 મોટરસાયકલ, રૂ. 10 હજારના બે મોબાઇલ ફોન તથા કેબલ કાપવાની કટર સહિત કુલ રૂ. 60 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.

ઝડપાયેલા આરોપીઓમાં રાહુલ ઉર્ફે વાઘેશ્વર દેવા કટારા (ઉ.વ. 23) અને રાજેશ લાલુ હામજી કટારા (ઉ.વ. 29), બંને રહેવાસી અમરપુરા ખુર્દ, તાલુકો બાજના, જિલ્લા રતલામ (મધ્યપ્રદેશ)નો સમાવેશ થાય છે. પોલીસે ગેંગના અન્ય નવ વોન્ટેડ આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

પૂછપરછ દરમિયાન આરોપીઓએ ઇડર ઉપરાંત અરવલ્લી જિલ્લાના ધનસુરા અને સાઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી સોલાર કેબલ ચોરીઓ તેમજ મોડાસા નજીકના શીણાવાડા વિસ્તારમાં સોલાર પ્લાન્ટમાંથી કેબલ ચોરીની કબૂલાત કરી હોવાનું પોલીસે જણાવ્યું છે.

આ સમગ્ર કામગીરી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર ડી.સી. સાકરિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.જે. ચાવડા સહિતની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!