જુના પાનોલમાં કુતરો ભગાડવા મુદ્દે ઝઘડો: બંને પક્ષે નોંધાવી સામસામી ફરિયાદ

ઈડર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા જુના પાનોલ ગામે ભસતા કુતરાને ભગાડવાની બાબતને લઈને થયેલો સામાન્ય વિવાદ ઉગ્ર બનતાં બંને પક્ષે એકબીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, જુના પાનોલ ગામે રહેતા રાકેશ લક્ષ્મીશંકર સુથારે જણાવ્યું છે કે ગત ૨ જુલાઈના રોજ સાંજના સમયે તેઓ થોરીવાસ રોડ પર ચાલવા નીકળ્યા હતા. તે દરમિયાન એક કુતરું ભસતું હોવાથી તેને ભગાડવા માટે તેમણે નાનો પથ્થર માર્યો હતો.
આ બાબતે થોરીવાસમાં રહેતા ગીરધરભાઈ કાળાભાઈ થોરી અને રાજુ ગીરધરભાઈ થોરી ત્યાં આવી પહોંચ્યા હતા અને “તું અમારા કુતરાને પથ્થર કેમ મારે છે?” કહી ગાળો બોલી ઉશ્કેરાઈ ગયા હતા. ત્યારબાદ બંનેએ લાકડી વડે હુમલો કરી ઈજા પહોંચાડી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
આ બનાવ અંગે રાકેશ સુથારે બંને આરોપીઓ વિરુદ્ધ ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ, આ જ બનાવ અંગે સામા પક્ષે પણ ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે ઘટનાની તપાસ શરૂ કરી છે.




