ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ગુરુજનો અને માતા-પિતાના આશીર્વાદથી ગુંજી ઊઠી જ્ઞાનધારા પાઠશાળાઓ

માનવતા જાગૃત ટ્રસ્ટ દ્વારા તાપી જિલ્લાના વ્યારા, ડોલવણ, સોનગઢ, ઉકાઈ અને ઉચ્છલ એમ પાંચ તાલુકાઓમાં સંચાલિત જ્ઞાનધારા – સર્વાંગી વિકાસ માટેની એક અનોખી પાઠશાળાની અંદાજે 60 જેટલી પાઠશાળાઓમાં 1,500થી વધુ વિદ્યાર્થીઓએ ગુરુપૂર્ણિમાનો પાવન ઉત્સવ શ્રદ્ધા, ભક્તિ અને સંસ્કારભાવ સાથે ઉજવ્યો.
ગુરુપૂર્ણિમાના આ પવિત્ર અવસરે વિદ્યાર્થીઓએ પોતાના માતા-પિતા તેમજ ગુરુજનોનું વિધિવત્ પૂજન કરી તેમના આશીર્વાદ મેળવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગુરુજનોએ ગુરુપૂર્ણિમાનું આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક મહત્વ સમજાવતાં જણાવ્યું કે જીવનમાં ગુરુનું સ્થાન સર્વોચ્ચ છે અને ગુરુના માર્ગદર્શનથી જ વ્યક્તિ જ્ઞાન, સંસ્કાર અને સફળતાના માર્ગે આગળ વધી શકે છે.
આ ઉપરાંત માનવતા જાગૃત ટ્રસ્ટ સંચાલિત ‘પિતા શ્રીનું ઘર’ અનાથ આશ્રમ ખાતે પણ ગુરુપૂર્ણિમાની ભાવસભર ઉજવણી કરવામાં આવી હતી. આશ્રમના બાળકોએ ગૃહમાતાઓ પાર્વતીબેન અને સવીતાબેનને માતા સમાન સન્માન આપી તેમનું પૂજન કર્યું તેમજ તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન લાગણીસભર અને આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું.
ગુરુપૂર્ણિમાની ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓમાં ગુરુ પ્રત્યે આદર, માતા-પિતા પ્રત્યે કૃતજ્ઞતા, સંસ્કાર અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોનું સિંચન થયું હોવાનું આયોજકોએ જણાવ્યું હતું.
અંતે માનવતા જાગૃત ટ્રસ્ટ પરિવાર તરફથી તમામ ગુરુજનો, માતા-પિતા તથા દેશવાસીઓને ગુરુપૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.





