સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના નવીન કાર્યાલયનો ભવ્ય પ્રારંભ: પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વરિષ્ઠ નેતાઓની ઉપસ્થિતિમાં રીબીન કાપી ઉદ્ઘાટન કરાયું

સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે નવીન જિલ્લા કાર્યાલયનો ભવ્ય અને ઉત્સાહસભર વાતાવરણમાં શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષારભાઈ ચૌધરી, વરિષ્ઠ કોંગ્રેસ અગ્રણી અને પૂર્વ સાંસદ મધુસુદન મિસ્ત્રી તેમજ જિલ્લા પ્રમુખ રામભાઈ સોલંકી સહિતના અગ્રણી નેતાઓએ ખાસ ઉપસ્થિત રહીને વિધિવત રીબીન કાપી નવીન કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું.
જનસેવાનું મુખ્ય કેન્દ્ર બનશે નવીન કાર્યાલય કાર્યાલયના શુભારંભ પ્રસંગે પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ ઉપસ્થિત કાર્યકર્તાઓ અને આગેવાનોને સંબોધતા જણાવ્યું હતું કે, આ નવું કાર્યાલય માત્ર પક્ષની પ્રવૃત્તિઓ પૂરતું મર્યાદિત નહીં રહે પરંતુ પ્રજાના પ્રશ્નો અને સમસ્યાઓના નિવારણ માટે ૨૪ કલાક સતત કાર્યરત રહી જનસેવાનું મુખ્ય કેન્દ્ર બની રહેશે. જિલ્લાના છેવાડાના માનવી સુધી કોંગ્રેસ પક્ષની નીતિઓ અને પ્રજાલક્ષી અવાજ પહોંચાડવા માટે આ કાર્યાલય મહત્વની ભૂમિકા ભજવશે.
પ્રદેશ અને જિલ્લા કક્ષાના વરિષ્ઠ નેતાઓની વિશેષ ઉપસ્થિતિ આ કાર્યક્રમમાં પ્રદેશ કક્ષાએથી નઇમબેગ મિર્ઝા, દિનેશભાઈ ગઢવી, બાબુસિંહ ઠાકોર, SC વિભાગના પ્રદેશ ચેરમેન હિતેન્દ્ર પીઠડીયા તેમજ પ્રદેશ અને જિલ્લાના વરિષ્ઠ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સંગઠનના હોદ્દેદારો, વિવિધ ફ્રન્ટલ સેલ અને ડિપાર્ટમેન્ટના ચેરમેનશ્રીઓ, તાલુકા અને જિલ્લા પંચાયત તથા નગરપાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓ, ઉમેદવારો, મંડળ અને સેક્ટરના હોદ્દેદારો, તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ સાબરકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓ અને શહેરોમાંથી મોટી સંખ્યામાં પધારેલા કોંગ્રેસના કાર્યકર્તા ભાઈ-બહેનોની હાજરીથી સમગ્ર કાર્યક્રમ સભર અને સફળ બન્યો હતો. કાર્યક્રમના અંતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉપસ્થિત તમામ વરિષ્ઠ અગ્રણીઓ, હોદ્દેદારો અને સ્નેહી કાર્યકર્તા મિત્રોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.




