સાબરકાંઠામાં ગ્રામ સેવકોનું આંદોલન તેજ: ૧૩ પડતર માંગણીઓને લઈને ગાંધીજયંતીથી અચોક્કસ મુદતની હડતાલની ચીમકી

સાબરકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા ગ્રામ સેવકોએ પોતાના વર્ષો જૂના પ્રશ્નો અને ૧૩ જેટલી આ પડતર માંગણીઓના નિરાકરણ માટે સરકાર સામે આંદોલનનું બ્યુગલ ફૂંક્યું છે. ગુજરાત રાજ્ય ગ્રામ સેવક મહામંડળ, અમદાવાદના આદેશ અનુસાર જિલ્લાના ૧૩૨ જેટલા ગ્રામ સેવકોએ એકજૂથ થઈને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. આગામી ૨ ઓક્ટોબર એટલે કે ગાંધીજયંતીના પવિત્ર દિવસથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરવાની સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે.
ગ્રામ સેવકોએ પોતાની ન્યાયી માંગણીઓ સંદર્ભે જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી (DDO) અને જિલ્લા ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી. લાંબા સમયથી માંગણીઓનો કોઈ ઉકેલ ન આવતા કર્મચારીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે.
આંદોલનાત્મક કાર્યક્રમોના પ્રથમ તબક્કામાં ગ્રામ સેવકોએ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ દર્શાવ્યો હતો. આ વિરોધને વધુ ઉગ્ર બનાવવા માટે તબક્કાવાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે:
-
૧૪ સપ્ટેમ્બર: તમામ સરકારી વોટ્સએપ ગ્રુપમાંથી એક્ઝિટ (લેફ્ટ) થવું.
-
૨૧ સપ્ટેમ્બર: તમામ પ્રકારની ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરવો.
-
૨૫ સપ્ટેમ્બર: ‘પેન ડાઉન’ (કામગીરી બંધ) આંદોલન.
-
૧ ઓક્ટોબર: જિલ્લાના તમામ કર્મચારીઓ દ્વારા માસ સીએલ (Casual Leave) પર જવું.
-
૨ ઓક્ટોબર: ગાંધીજયંતીથી અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરવી.
આ અંગે ગ્રામ સેવક મંડળના પ્રમુખ રોહિતદાન ગઢવીએ જણાવ્યું હતું કે, “અમે લાંબા સમયથી પડતર માંગણીઓ અંગે રજૂઆતો કરી રહ્યા છીએ, પરંતુ તંત્ર દ્વારા કોઈ યોગ્ય ઉકેલ લાવવામાં આવ્યો નથી. જો સરકાર આગામી દિવસોમાં અમારી માંગણીઓ સંતોષશે નહીં, તો મંડળ દ્વારા આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.”
ગ્રામ સેવકોની હડતાલના કારણે ગ્રામ્ય સ્તરે ખેતીવાડી અને વિકાસલક્ષી સરકારી કામગીરી ખોરવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.




