સાબરકાંઠા

સાબરકાંઠામાં સ્પા-મસાજ પાર્લરો પર પોલીસની તવાઈ: કલેક્ટરે જાહેરનામું બહાર પાડી નિયમો કર્યા કડક

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર સહિત આસપાસના વિસ્તારોમાં સ્પા અને મસાજ પાર્લરોની આડમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે જિલ્લા કલેક્ટરે લાલ આંખ કરી છે. સ્પા સેન્ટરોમાં દેહવ્યાપાર અને નશીલી પ્રવૃત્તિઓ જેવી અસામાજિક પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે કલેક્ટર દ્વારા એક કડક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ આદેશ અંતર્ગત તમામ સ્પા સંચાલકો માટે તેમના કર્મચારીઓની સંપૂર્ણ વિગતો પોલીસ ચોકીમાં જમા કરાવવી હવે ફરજિયાત બનશે.

RTO સર્કલથી મોતીપુરા સુધી સ્પા સેન્ટરોનો રાફડો છેલ્લા કેટલાક સમયથી હિંમતનગરમાં વીરપુર બાયપાસથી મોતીપુરા સુધીના માર્ગ પર સ્પા સેન્ટરોનો મોટો રાફડો ફાટ્યો છે. ખાસ કરીને RTO સર્કલથી મોતીપુરા વચ્ચેના માત્ર ૩ કિલોમીટરના અંતરમાં જ ૭ જેટલા સ્પા સેન્ટરો ધમધમી રહ્યા છે. સ્થાનિક સ્તરે આ સ્પા સેન્ટરોની આડમાં ગેરકાયદેસર અને અનૈતિક પ્રવૃત્તિઓ ચાલતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી હતી, જેને ધ્યાને રાખીને તંત્ર દ્વારા આ આકરું વલણ અપનાવવામાં આવ્યું છે.

કર્મચારીઓ અને વિદેશી નાગરિકોનું રજિસ્ટ્રેશન ફરજિયાત કલેક્ટરના આદેશ મુજબ, સ્પા સંચાલકોએ તેમના ત્યાં કામ કરતા દરેક નાના-મોટા કર્મચારીઓની તમામ અંગત વિગતો સ્થાનિક પોલીસ મથકે આપવાની રહેશે.

  • જરૂરી વિગતો: કર્મચારીઓનું પૂરું સરનામું, અધિકૃત ઓળખ પુરાવા (આધાર કાર્ડ/ચૂંટણી કાર્ડ) અને ચાલુ મોબાઈલ નંબર.

  • વિદેશી કર્મચારીઓ: સ્પામાં કામ કરતા વિદેશી નાગરિકોના કિસ્સામાં તેમના પાસપોર્ટ અને વિઝાની ચકાસણી કરેલી સંપૂર્ણ વિગતો પોલીસને સોંપવી પડશે.

નિયમભંગ કરનાર સામે થશે કાયદેસરની કાર્યવાહી જિલ્લા પ્રશાસને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જાહેરનામાના નિયમોનું અનાદર કરનાર અથવા કર્મચારીઓની વિગતો છુપાવનાર સ્પા સંચાલકો સામે કાયદાકીય ધોરણે કડક પગલાં ભરવામાં આવશે. આ ખાસ જાહેરનામું ૨૭ ઓક્ટોબર ૨૦૨૬ સુધી સમગ્ર જિલ્લામાં અમલમાં રહેશે. તંત્રના આ કડક વલણથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતા સ્પા સંચાલકોમાં ભારે ફાળ પડી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!