સાબરકાંઠા

ઈડરના કુકડીયામાં લાખ્ખો રૂપિયાના ખર્ચે બનેલો રંગમંચ ખંડેર

હજુ સુધી ઉદ્ઘાટન જ નહીં થતાં ખર્ચ માથે પડયો
બંધ પડેલા હોલમાં એકપણ કાર્યક્રમ થયો નહીં
બિસ્માર રંગમંચનું રિનોવેશન માટે રજૂઆત કરાઈ
હિંમતનગર
વર્ષો અગાઉ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ભજવાતા નાટકો તથા ભવાઈ સહિતના કાર્યક્રમોને લીધે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના કેટલાક પરિવારોનું જીવન ગુજરાન થતુ હતું સાથો સાથ ગુજરાતી ચિત્રપટ્ટમાં અભિનયના ઓજસ પાથરનાર સ્વ.ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદીએ સાબરકાંઠાનું નામ રોશન કરનાર આ બંને કલાકારોએ સ્થાનિક કલાકારો તૈયાર કરવા માટે મહેનત કરી હતી જેથી સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગની ગ્રાન્ટમાંથી વર્ષો અગાઉ કુકડીયા ગામે રંગમંચનું નિર્માણ કરાયું હતું. પરંતુ અગમ્ય કારણોસર આ રંગમંચનું ઉદ્ઘાટન ન થવાને કારણે હાલ તે બિસ્માર બની ગયું છે. જેથી રીનોવેશન માટે તાજેતરમાં રાજયના નાયબ મુખ્યમંત્રીને રજુઆત કરીને ઘટતુ કરવાની માંગ ઉઠવા પામી છે.
કુકડીયા ગામમાં ગ્રામજનો અને સ્થાનિક કલાકારો માટે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની શકે તેવા હેતુથી રંગમંચ બનાવવામાં આવ્યો હતો. પરંતુ બાંધકામ પૂર્ણ થયા બાદ પણ તેનો ઉપયોગ શરૂ થયો નથી. ખાસ કરીને આજદિન સુધી અહીં કોઈ સત્તાવાર કાર્યક્રમ કે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો નથી. જેના કારણે સરકારની ગ્રાન્ટમાંથી તૈયાર કરાયેલું જાહેર ઉપયોગનું આ માળખું વર્ષોથી ધૂળ ખાઈ રહ્યું છે. યોગ્ય જાળવણીના અભાવે રંગમંચની હાલત દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. એક તરફ ગામમાં નાના કલાકારો, યુવાનો અને વિવિધ સંસ્થાઓને કાર્યક્રમો માટે યોગ્ય સ્થળની જરૂરિયાત છે, જ્યારે બીજી તરફ તૈયાર થયેલો રંગમંચ ઉપયોગ વિના બિસ્માર બની રહ્યો છે. જો સમયસર રિનોવેશન અને જાળવણી કરવામાં આવે તો આ રંગમંચ કુકડીયા સહિત આસપાસના ગામો માટે પણ ઉપયોગી બની શકે તેમ છે.
આ અંગે કુકડીયાના સરપંચ લક્ષ્મીબેન વિક્રમભાઈ રાવળ અને ડેપ્યુટી સરપંચ મેઘાબેન નરેન્દ્રકુમાર કુલકર્ણી દ્વારા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં વર્ષોથી ઉપયોગ વિના પડેલા રંગમંચનું જરૂરી રિનોવેશન કરાવી તેની યોગ્ય જાળવણી કરવામાં આવે તેમજ તેનું ઉદ્ઘાટન કરી પ્રજાના ઉપયોગ માટે ખુલ્લું મુકવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. રંગમંચ કાર્યરત થાય તો કુકડીયા ગામના નાના કલાકારોને પોતાની પ્રતિભા રજૂ કરવા માટે પ્લેટફોર્મ મળી શકે છે. નાટક, સંગીત, સાંસ્કૃતિક કાર્યક્રમો, સામાજિક કાર્યક્રમો તેમજ સરકારના વિવિધ કાર્યક્રમો માટે પણ તેનો ઉપયોગ થઈ શકે છે. સાથે જ આસપાસના ગામોના લોકોને પણ આ સુવિધાનો લાભ મળી શકે તેમ છે.ગ્રામજનોનું કહેવું છે કે સરકારી ગ્રાન્ટમાંથી તૈયાર કરવામાં આવેલું જાહેર ઉપયોગનું સ્થળ વર્ષો સુધી બંધ રહેવાને બદલે તેનું રિનોવેશન કરી નિયમિત ઉપયોગમાં આવે તે જરૂરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!