હિંમતનગરમાં ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના નાદ સાથે ગણેશજીને વિદાય: પ્રાંતિજના બોખ ખાતે વિસર્જન કરાયું
અષ્ટવિનાયક ગણપતિ મંદિર અને શ્રી ગણેશ યુવક મંડળ દ્વારા આયોજિત 30મો ગણેશ મહોત્સવ સંપન્ન: સિવિલ સર્કલ સુધી નીકળેલી ભવ્ય શોભાયાત્રામાં ભક્તો ઉમટ્યા

હિંમતનગર શહેરના વિનાયકનગર ખાતે શ્રી ગણેશ યુવક મંડળ તથા અષ્ટવિનાયક ગણપતિ મંદિર દ્વારા આયોજિત 30મા ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી બાદ ભાવુક માહોલમાં સમાપન થયું હતું. મહોત્સવના અંતિમ દિવસે શહેરમાં ગણેશ વિસર્જનની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં ‘ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તૂ જલ્દી આ’ના નાદ સાથે આખું હિંમતનગર ગુંજી ઊઠ્યું હતું.
ગણેશ ઉત્સવ દરમિયાન દરરોજ વિધિવત પૂજા-અર્ચના, મહાઆરતી અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મહોત્સવના અંતિમ દિવસે બપોરે વિનાયકનગરથી ઢોલ-નગારા અને ડીજેના તાલ સાથે વિસર્જન શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો. નાચતા-ગાતા અને ગુલાલની છોળો વચ્ચે ભક્તો મોટી સંખ્યામાં બાપ્પાના વિસર્જનમાં જોડાયા હતા.
આ શોભાયાત્રા શહેરના પ્રમુખ માર્ગો પરથી પસાર થઈને સિવિલ સર્કલ સુધી પહોંચી હતી. સમગ્ર માર્ગ પર શ્રદ્ધાળુઓએ બાપ્પાના અંતિમ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સિવિલ સર્કલ ખાતેથી ગણપતિજીની પ્રતિમાને પૂર્ણ શ્રદ્ધા અને ધાર્મિક વિધિ-વિધાન સાથે પ્રાંતિજ નજીક આવેલા બોખ ખાતે લઈ જવામાં આવી હતી, જ્યાં વિસર્જન કરવામાં આવ્યું હતું. મહોત્સવના સમાપન સમયે શ્રદ્ધાળુઓ શ્રદ્ધા અને ભાવુકતા સાથે ગણેશજીને આગામી વર્ષે વહેલા આવવાનું નિમંત્રણ આપી વિદાય આપી હતી.



