હિમતનગર

હિંમતનગર APMCની ઘોર બેદરકારી: વાર્ષિક ₹૧ લાખ ભાડું ચૂકવવા છતાં ૩૧ દુકાનો શેડવિહોણી, ચોમાસામાં ખેડૂતોનું શાકભાજી પલળીને બગડ્યું

હિંમતનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) ખાતે શાસકો અને તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. ટાવર વિસ્તારમાંથી માર્કેટની પાછળના ભાગમાં આવેલી નવી હોલસેલ હરાજી શાક માર્કેટ ખાતે સ્થળાંતરિત કરાયેલા ૩૧ શાકભાજીના વેપારીઓ અને સ્થાનિક ખેડૂતો હાલ ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

મળતી માહિતી મુજબ, આ ૩૧ દુકાનોના વેપારીઓ પાસેથી APMC તંત્ર દ્વારા દર વર્ષે દુકાનદીઠ ₹૧,૦૦,૦૦૦ જેટલી મોટી રકમ ભાડા પેટે વસૂલવામાં આવે છે. આમ છતાં, આટલો સમય વીતી ગયા પછી પણ અહીં પતરાના શેડ (Roofing Sheet) ની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. પતરાના શેડના અભાવે ચોમાસા દરમિયાન ખેડૂતો દ્વારા વેચાણ અર્થે લાવવામાં આવતું શાકભાજી વરસાદી પાણીમાં પલળીને મોટા પ્રમાણમાં બગડી જાય છે, જેના કારણે ખેડૂતો અને વેપારીઓ બંનેને ભારે આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે.

આ અંગે ૩૧ દુકાનના વેપારીઓ દ્વારા ખેતીવાડી માર્કેટના મેનેજરશ્રી તેમજ ચેરમેનશ્રીને લેખિતમાં રજૂઆતો અને અરજીઓ કરવામાં આવી હોવા છતાં, તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ જ નક્કર કામગીરી કરવામાં આવી નથી.

કાયદાકીય નિયમોનું ખુલ્લું ઉલ્લંઘન

  • GAPM Act, 1963 (કલમ ૨૬): ગુજરાત ખેતીઉત્પન્ન બજાર અધિનિયમ મુજબ, માર્કેટમાં આવતા વેપારીઓ અને ખેડૂતોના માલસામાનના રક્ષણ માટે યોગ્ય શેડ અને મૂળભૂત માળખાકીય સુવિધાઓ પૂરી પાડવી એ બજાર સમિતિની કાનૂની ફરજ છે.

  • GAPM Act, 1963 (કલમ ૨૭): વસૂલાતા ભાડા અને ફી નો ઉપયોગ વેપારીઓ તથા ખેડૂતોની સુવિધા અને માલના રક્ષણ માટે કરવાનો રહે છે. વાર્ષિક ₹૧ લાખ લેવા છતાં શેડ ન આપવો એ કાનૂની જોગવાઈઓનો અનાદર છે.

સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કે માર્કેટના સત્તાધીશો અને ભાજપના આગેવાનો જો વેપારીઓ અને ખેડૂતોની લેખિત રજૂઆતો ધ્યાને ન લેતા હોય, તો સામાન્ય જનતાના પ્રશ્નોનું નિવારણ કેવી રીતે થશે? વેપારીઓ અને ખેડૂતો દ્વારા તાત્કાલિક ધોરણે આ ૩૧ દુકાનો પર પતરાના શેડનું નિર્માણ કરી માલસામાનનું નુકસાન અટકાવવાની કડક માંગ કરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!