સાબરકાંઠામાં ટેકાના ભાવે મગફળી અને સોયાબીન વેચવા ૧૦,૪૦૦થી વધુ ખેડૂતોનું રજીસ્ટ્રેશન: ૨૪ ઓક્ટોબર સુધી નોંધણી લંબાવાઈ

રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે વિવિધ ખેતપેદાશોની ટેકાના ભાવે ખરીદી કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના પગલે સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૦,૪૦૦થી વધુ ખેડૂતોએ મગફળી અને સોયાબીન ટેકાના ભાવે વેચવા માટે ઉત્સાહ દર્શાવી ઓનલાઈન નોંધણી કરાવી દીધી છે. ખેડૂતોની માગણી અને હિતને ધ્યાનમાં રાખીને સરકારે નોંધણીની અંતિમ મુદત ૯ ઓક્ટોબરથી વધારીને ૨૪ ઓક્ટોબર સુધી લંબાવી છે.
બજારભાવ સાથે ટેકાના ભાવ તરફ ખેડૂતોનો ઝુકાવ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, પ્રાંતિજ, તલોદ, ઈડર અને વડાલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસુ સિઝન દરમિયાન ખેડૂતોએ મગફળી, સોયાબીન, કપાસ, અડદ અને મગનું મોટા પાયે વાવેતર કર્યું હતું. હાલ પાક તૈયાર થઈ જતાં લણણી પૂર્ણ કરીને ખેડૂતો નવરાત્રી અગાઉ માલ બજારમાં મૂકવાની તૈયારી કરી રહ્યા છે. હિંમતનગર સહિતના માર્કેટયાર્ડોમાં વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. એક તરફ ખેડૂતોને ખુલ્લા બજારમાં મગફળીના ભાવ સંતોષકારક મળી રહ્યા છે, તો બીજી તરફ મોટી સંખ્યામાં ખેડૂતો ટેકાના ભાવનો લાભ લેવા પણ ઈ-પોર્ટલ પર સક્રિય થયા છે.
કયા પાકમાં કેટલું રજિસ્ટ્રેશન થયું?
સરકારી સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, જિલ્લામાં અત્યાર સુધીમાં:
-
મગફળી: ૯,૦૭૦ ખેડૂતો
-
સોયાબીન: ૯૮૦ ખેડૂતો
-
અડદ: ૪૦૯ ખેડૂતો
ટેકાના ભાવે પાક વેચવા માટે ઈ-ગ્રામ કેન્દ્રો અને ઓનલાઈન પોર્ટલ પર સફળ રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે. જે ખેડૂતો કોઈ કારણોસર નોંધણી કરાવવાથી વંચિત રહી ગયા હતા, તેઓ હવે ૨૪ ઓક્ટોબર સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે.




