ધર્મ

ચોથા નોરતે માતા કૂષ્માંડાની ઉપાસના

સૂરાસંપૂર્ણકલશં રૂધિરાપ્લુતમેવ ચ।
દધાનાં હસ્તપદ્માભ્યાં કૂષ્માણ્ડા શુભદાસ્તુ મે॥

નવરાત્રીના નવ દિવસો દરમિયાન નવદુર્ગાનાં નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. આવો, આજે નવરાત્રીના ચોથા દિવસે જેની ઉપાસના કરવામાં આવે છે તે માતા કૂષ્માંડાના સ્વરૂપ વિશે ચિંતન કરીએ.

વ્યવહારમાં નવા જીવને જન્મ આપવા ગર્ભ ધારણ કરનારી સ્ત્રી કૂષ્માંડા સ્વરૂપ છે.

મા દુર્ગાજીના ચોથા સ્વરૂપનું નામ કૂષ્માંડા છે. પોતાની મંદ, હળવા હાસ્ય દ્વારા અંડ એટલે કે બ્રહ્માંડને ઉત્પન્ન કરવાના કારણે તેમને કૂષ્માંડા દેવી કહેવામાં આવે છે. જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ નહોતું અને ચારે તરફ અંધકાર વ્યાપેલો હતો, ત્યારે આ દેવીએ પોતાના ઈષત્ હાસ્યથી બ્રહ્માંડની રચના કરી હતી. તેથી તેઓ સૃષ્ટિનાં આદિસ્વરૂપા અને આદ્યશક્તિ કહેવાય છે.

તેમનો નિવાસ સૂર્યમંડળના અંદરના લોકમાં છે. સૂર્યલોકમાં નિવાસ કરવાની ક્ષમતા અને શક્તિ ફક્ત તેમનામાં જ છે. તેમના શરીરની કાંતિ અને પ્રભા સૂર્ય સમાન તેજસ્વી છે. અન્ય કોઈ દેવી-દેવતા તેમના તેજની તુલના કરી શકતાં નથી. બ્રહ્માંડની તમામ વસ્તુઓ અને પ્રાણીઓમાં રહેલું તેજ તેમની જ છાયા છે.

મા કૂષ્માંડાને આઠ હાથ છે, એટલે તેઓ અષ્ટભુજા દેવીના નામથી વિખ્યાત છે. તેમના સાત હાથોમાં ક્રમશઃ કમંડળ, ધનુષ્ય, બાણ, કમળનું પુષ્પ, અમૃતપૂર્ણ કલશ, ચક્ર તથા ગદા છે. આઠમા હાથમાં તમામ સિદ્ધિઓ અને નિધિઓ આપનાર જપમાળા છે. તેમનું વાહન સિંહ છે.

નવરાત્રીના ચોથા દિવસે માતા કૂષ્માંડા દેવીના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે સાધકનું મન અનાહત ચક્રમાં અવસ્થિત હોય છે. તેથી આ દિવસે અત્યંત પવિત્ર અને અચંચળ મનથી માતા કૂષ્માંડા દેવીના સ્વરૂપનું ધ્યાન કરીને પૂજા-ઉપાસના કરવી જોઈએ.

માતા કૂષ્માંડા દેવીની ઉપાસનાથી ભક્તના રોગ-શોક દૂર થાય છે. તેમની ભક્તિ કરવાથી આયુષ્ય, બળ, યશ અને આરોગ્યની વૃદ્ધિ થાય છે. માતા કૂષ્માંડા દેવી અલ્પ સેવા અને ભક્તિથી પ્રસન્ન થાય છે. જો મનુષ્ય સાચા હૃદયથી તેમની શરણાગતિ સ્વીકારે, તો તેને પરમપદની પ્રાપ્તિનો માર્ગ સુલભ બને છે.

શાસ્ત્રો અને પુરાણોમાં વર્ણવેલી વિધિ અનુસાર મા દુર્ગાની ઉપાસના અને ભક્તિ કરવાથી સાધકને તેમની કૃપાનો સૂક્ષ્મ અનુભવ થવા લાગે છે. દુઃખરૂપ સંસાર તેના માટે સુખદ અને સુગમ બની જાય છે. માતાજીની ઉપાસના મનુષ્યને ભવસાગરથી પાર ઉતરવા માટેનો સુગમ અને શ્રેયસ્કર માર્ગ છે.

માતા કૂષ્માંડા દેવીની ઉપાસના મનુષ્યને આધિ, વ્યાધિ અને ઉપાધિથી મુક્ત થવાની પ્રેરણા આપે છે તથા તેને સુખ-સમૃદ્ધિ અને ઉન્નતિ તરફ લઈ જાય છે. તેથી પોતાની લૌકિક અને પારલૌકિક ઉન્નતિ ઇચ્છનારે તેમની ઉપાસનામાં હંમેશાં તત્પર રહેવું જોઈએ.

આલેખનઃ
શ્રી વિનોદભાઈ માછી નિરંકારી
નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ
9726166075

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!