ઇડર

નાયક સમાજનો રંગભૂમિનો સિતારો ખરી પડ્યો : દરામલીના ૧૦૨ વર્ષના કલાકાર જયશંકર નાયકે દુનિયાને અલવિદા કહી

ગુજરાત સહિત સમગ્ર દેશમાં વર્ષો અગાઉ ત્રિઅંકી નાટકોનો સોનેરી જમાનો હતો, તે સમયે મુંબઈ સહિતના સ્થળોએ ગુજરાતી નાટકોમાં સ્ત્રી પાત્રો ભજવીને તથા માતાજીના વેશમાં નાટકો રજૂ કરી ભારે ખ્યાતિ મેળવનાર સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના દરામલી ગામના જાણીતા રંગભૂમિના સિતારા જયશંકર નાયક બુધવારે ૧૦૨ વર્ષ અને ૧૦ મહિનાની વયે દરામલી સ્થિત પોતાના નિવાસસ્થાનેથી અનંત પ્રવાસે નીકળી ગયા છે. તેમના આ અવસાનથી રંગભૂમિના કલાકારો તેમજ નાયક સમાજને ક્યારેય ન પૂરાય તેવી મોટી ખોટ પડી છે.

જૂની રંગભૂમિને ગામડામાં રહીને પણ જીવંત રાખી: સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ઇડર તાલુકાના દરામલી ગામના જયશંકર નાયકએ પોતાનું સમગ્ર જીવન રંગભૂમિને સમર્પિત કર્યું હતું. તેઓ ઉચ્ચકોટીના અદાકાર તેમજ અભિનય સમ્રાટ સ્વ. ઉપેન્દ્ર ત્રિવેદીના મિત્ર હતા અને જાણીતી ગુજરાતી ફિલ્મ ‘માનવીની ભવાઈ’માં પણ તેમણે પોતાની કલાના ઉત્કૃષ્ટ ઓજસ પાથર્યા હતા. તેઓ ગામડામાં રહીને પણ જૂની રંગભૂમિની યાદોને હંમેશાં જીવંત રાખવા તત્પર રહેતા હતા. ગુજરાતી ફિલ્મ ‘માનવીની ભવાઈ’માં અજવાળા પાથરે તેવી તેમની સાદગીભરી ઓળખ એટલે કે સફેદ દાઢી, સફેદ ધોતી અને ખભા પર અંગરખું તેમની આગવી ઓળખ બની ગઈ હતી.

૫૦ વર્ષ સુધી મંચ પર ખેડાણ અને ‘માસ્ટર ત્રિકમ એવોર્ડ’થી સન્માન: તેઓએ પ્રખ્યાત ‘વિજય નાટક કંપની’માં પોતાના અભિનયના અદ્ભુત ઓજસ પાથર્યા હતા. નાયક ભોજક સમાજની મહેસાણાની કેળવણી મધ્યસ્થ સંસ્થા દ્વારા તેમને અગાઉ પ્રતિષ્ઠિત ‘માસ્ટર ત્રિકમ એવોર્ડ’થી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આશરે ૫૦ વર્ષ સુધી રંગભૂમિના મંચ પર પોતાની કલાકારીગરી દર્શાવીને તેઓ એક ઉમદા અને લોકપ્રિય કલાકાર તરીકે ખ્યાતિ પામ્યા હતા.

બુધવારે તેઓએ ૧૦૨ વર્ષ અને ૧૦ મહિનાની દીર્ઘાયુ વયે અંતિમ શ્વાસ લઈ આ દુનિયાને અલવિદા કહેતા, સમસ્ત નાયક સમાજ અને કલા જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!