ધર્મ

શારદીય નવરાત્રીના સાતમા નોરતે માં કાલરાત્રિ દેવીની ઉપાસના કરીએ.

શારદીય નવરાત્રીના સાતમા નોરતે માં કાલરાત્રિ દેવીની ઉપાસના કરીએ.

એકવેણી જપાકર્ણપૂરા નગ્ના ખરાસ્થિતા
લમ્બોષ્ઠી કર્ણિકાકર્ણી તૈલાભ્યક્તશરીરિણી
વામપાદોલ્લસલ્લોહલતાકણ્ટકભૂષણા
વર્ધનમૂર્ધધ્વજા કૃષ્ણા કાલરાત્રિર્ભયઙ્કરી

નવરાત્રીના નવ દિવસો દરમિયાન નવદુર્ગાનાં નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે.આજે નવરાત્રીના સાતમા દિવસે જેની ઉપાસના કરવામાં આવે છે તે મા દુર્ગાના સાતમા સ્વરૂપ મા કાલરાત્રિ દેવીના દિવ્ય સ્વરૂપ અને આધ્યાત્મિક મહિમા વિશે ચિંતન કરીએ.પોતાના દ્રઢ સંકલ્પ,અખંડ શ્રદ્ધા અને અતૂટ નિષ્ઠાથી મૃત્યુ જેવા સંકટને પણ પડકારનાર સ્ત્રી સાવિત્રીની જેમ શક્તિનું પ્રતીક બની શકે છે એ જ રીતે મા કાલરાત્રિનું સ્વરૂપ પણ ભય સામે અડગ રહેવાની પ્રેરણા આપે છે.

મા કાલરાત્રિ દેવીના શરીરનો રંગ ગાઢ અંધકાર જેવો કાળો છે,તેમના માથાના વાળ વિખરાયેલા છે અને ગળામાં વિદ્યુતની જેમ ચમકતી માળા શોભે છે, તેમને ત્રણ નેત્ર છે જે બ્રહ્માંડની જેમ ગોળ અને તેજસ્વી છે,તેમાંથી વિદ્યુત સમાન ચમકીલાં કિરણો નીકળે છે,તેમના નાકમાંથી નીકળતા શ્વાસ-પ્રશ્વાસ સાથે અગ્નિની ભયંકર જ્વાળાઓ પ્રગટ થતી હોવાનું વર્ણન મળે છે,તેમનું વાહન ગધેડો છે.

મા કાલરાત્રિનું સ્વરૂપ દેખાવમાં ભયંકર હોવા છતાં તે ભક્તો માટે અત્યંત કલ્યાણકારી છે.તેમનું આ સ્વરૂપ આપણને શીખવે છે કે જીવનમાં ગમે તેટલો અંધકાર-ભય કે મુશ્કેલી હોય પરંતુ શ્રદ્ધા-હિંમત અને આત્મબળથી તેનો સામનો કરી શકાય છે.પૌરાણિક કથાઓમાં દેવી દુર્ગાએ શુંભ અને નિશુંભ જેવા અસુરોનો સંહાર કરીને ધર્મની સ્થાપના કરી હોવાનું વર્ણન મળે છે.દેવીનાં ઉગ્ર સ્વરૂપો દુષ્ટ શક્તિઓના વિનાશ અને ધર્મના રક્ષણનાં પ્રતીક છે.મા કાલરાત્રિનું સ્વરૂપ પણ અધર્મ-અજ્ઞાન અને આસુરી વૃત્તિઓનો નાશ કરનારી શક્તિનું પ્રતીક છે.

જ્યોતિષીય અને ધાર્મિક માન્યતાઓમાં મા કાલરાત્રિનો શનિ ગ્રહ સાથે પણ સંબંધ દર્શાવવામાં આવે છે.કોલકાતામાં આવેલું કાલીઘાટ મંદિર દેવી કાલીના પ્રસિદ્ધ શક્તિપીઠોમાંનું એક છે.જોકે કાલીઘાટને મા કાલરાત્રિનું મુખ્ય મંદિર કહેવા કરતાં દેવી કાલીના પ્રસિદ્ધ મંદિર તરીકે ઓળખાવવું વધુ યોગ્ય છે.

મા કાલરાત્રિની ચાર ભુજાઓનું પ્રતીકાત્મક મહત્વ..

મા કાલરાત્રિની ચાર ભુજાઓ છે.તેમના જમણા હાથની ઉપરની ભુજા વરમુદ્રામાં છે જે ભક્તોને વરદાન આપવાનું પ્રતીક છે જ્યારે નીચેનો જમણો હાથ અભયમુદ્રામાં છે જે ભયમાંથી મુક્તિ અને રક્ષણનો સંદેશ આપે છે.ડાબા હાથની ઉપરની ભુજામાં લોખંડનો કાંટાળો અસ્ત્ર અને નીચેની ભુજામાં ખડગ હોવાનું પરંપરાગત વર્ણન મળે છે.વિવિધ મૂર્તિચિત્રોમાં તેમના હાથમાં રહેલાં અસ્ત્રોનાં વર્ણનમાં થોડો ફેરફાર જોવા મળે છે.

મા કાલરાત્રિનું સ્વરૂપ ભલે ભયંકર લાગે પરંતુ તેઓ હંમેશાં શુભ ફળ આપનારાં અને ભક્તોનું કલ્યાણ કરનારાં છે.તેમની ઉપાસના કરનારને નિર્ભયતા-આત્મવિશ્વાસ અને સંકટોનો સામનો કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે એવી ધાર્મિક માન્યતા છે.આથી જ તેમને ‘શુભંકરી’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

નવરાત્રીના સાતમા દિવસે મા કાલરાત્રિની ઉપાસના કરવામાં આવે છે.યોગ અને આધ્યાત્મિક પરંપરા અનુસાર આ દિવસે સાધકનું મન સહસ્રાર ચક્રમાં સ્થિર થતું હોવાનું માનવામાં આવે છે.સહસ્રાર ચક્રને ચેતનાની ઉચ્ચતમ અવસ્થા અને પરમાત્મા સાથેના આધ્યાત્મિક એકત્વના પ્રતીક તરીકે જોવામાં આવે છે.સાધક જ્યારે એકાગ્રતા,ધ્યાન,શ્રદ્ધા અને આત્મચિંતન દ્વારા પોતાના મનને સ્થિર કરે છે ત્યારે તેની અંદર રહેલી નકારાત્મક વૃત્તિઓ ધીમે ધીમે નબળી પડવા લાગે છે.મા કાલરાત્રિની ઉપાસના સાધકને ભય, અજ્ઞાન,અહંકાર અને આસક્તિથી મુક્ત થવાની પ્રેરણા આપે છે.તેમની કૃપાથી સાધકનાં પાપો અને વિઘ્નોનો નાશ થાય છે તથા તેને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે.

મા કાલરાત્રિ દુષ્ટ શક્તિઓનો વિનાશ કરનારાં સ્વરૂપે પૂજાય છે.દાનવો,દૈત્યો,રાક્ષસો તથા નકારાત્મક શક્તિઓ તેમનાં સ્મરણમાત્રથી ભયભીત થઈ જાય છે,તેઓ ગ્રહબાધાઓ અને વિવિધ સંકટોથી રક્ષણ આપનારાં દેવી તરીકે પણ પૂજાય છે. મા કાલરાત્રિની ઉપાસનાનો આધ્યાત્મિક અર્થ માત્ર બાહ્ય ભયમાંથી મુક્તિ મેળવવાનો નથી પરંતુ મનમાં રહેલા ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્યા, દ્વેષ અને અહંકાર જેવા આંતરિક શત્રુઓનો નાશ કરવાનો પણ છે.જ્યારે મનુષ્ય સત્ય, સદાચાર અને આત્મવિશ્વાસના માર્ગે આગળ વધે છે ત્યારે તે જીવનની મુશ્કેલીઓનો વધુ હિંમતપૂર્વક સામનો કરી શકે છે.તેમની કૃપાથી ઉપાસકને અગ્નિ,જળ,જીવજંતુઓ,શત્રુઓ તથા અન્ય સંકટોનો સામનો કરવાની હિંમત મળે છે એવી શ્રદ્ધા છે.સાચી ઉપાસના મનુષ્યને ભયમુક્ત બનાવીને સદમાર્ગે ચાલવાની પ્રેરણા આપે છે.

મા કાલરાત્રિના સ્વરૂપને પોતાના હૃદયમાં ધારણ કરીને મનુષ્યે એકનિષ્ઠ ભાવથી તેમની ઉપાસના કરવી જોઈએ. યમ-નિયમ અને સંયમનું પાલન કરવું જોઈએ. મન-વચન અને કર્મની પવિત્રતા જાળવવી જોઈએ.સત્ય બોલવું,બીજાનું અહિત ન કરવું, જરૂરિયાતમંદોની સેવા કરવી અને સૌ પ્રત્યે સદ્‌ભાવ રાખવો એ પણ ઉપાસનાનાં મહત્ત્વપૂર્ણ અંગો છે. મા કાલરાત્રિ ‘શુભંકરી’ છે તેથી તેમનું નિરંતર સ્મરણ,ધ્યાન અને પૂજન કરવાથી મનમાં શ્રદ્ધા-હિંમત અને સકારાત્મકતા વધે છે એવી ધાર્મિક માન્યતા છે.તેમનું સ્વરૂપ આપણને સમજાવે છે કે અંધકાર ગમે તેટલો ગાઢ હોય જ્ઞાન અને સત્યનો પ્રકાશ તેને દૂર કરી શકે છે.

મા કાલરાત્રિ સંસારના અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરીને જ્ઞાનનો પ્રકાશ ફેલાવવાનું પ્રતીક છે. જે મનુષ્ય નિર્ભયતાથી સત્યના માર્ગે ચાલે છે,સદ્કર્મો કરે છે અને પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા રાખે છે તે જીવનમાં આવતાં સંકટોનો સામનો કરવાની આંતરિક શક્તિ પ્રાપ્ત કરી શકે છે.નવરાત્રીના સાતમા દિવસે મા કાલરાત્રિને ગોળમાંથી બનાવેલી વાનગીઓનો નૈવેદ્ય ધરાવવામાં આવે છે.ભક્તો દેવીને ગોળ અર્પણ કરીને સુખ-શાંતિ અને સંકટોમાંથી મુક્તિ માટે પ્રાર્થના કરે છે.

કેટલીક પૂજા-પરંપરાઓમાં દેવીને કૃષ્ણ કમળ કે અન્ય નીલાં પુષ્પો અર્પણ કરવાની માન્યતા છે. ફળના પ્રસાદમાં ચીકુ ધરાવવાની પ્રથા પણ સ્થાનિક પરંપરા અનુસાર જોવા મળી શકે છે. દેવીની વિશેષ કૃપા પ્રાપ્ત કરવાની ભાવનાથી ભક્તો પોતાની શ્રદ્ધા અને પરંપરા મુજબ પૂજન કરે છે.વસ્ત્રોના રંગ અંગે પણ વિવિધ પરંપરાઓમાં અલગ-અલગ માન્યતાઓ જોવા મળે છે તેથી સાધકે પોતાના કુળાચાર કે પૂજા-પરંપરાનું અનુસરણ કરવું જોઈએ. નૈવેદ્ય,પુષ્પ અને અન્ય પૂજાસામગ્રી કરતાં પણ વધુ મહત્વપૂર્ણ છે ભક્તનું નિર્મળ હૃદય, અખંડ શ્રદ્ધા અને સદાચારપૂર્ણ જીવન. સાચી ઉપાસના ત્યારે જ સાર્થક બને છે જ્યારે તેના દ્વારા મનુષ્યના વિચારો-વાણી અને વર્તનમાં સકારાત્મક પરિવર્તન આવે.

મા કાલરાત્રિની ઉપાસના આપણને ભય પર વિજય મેળવવા-અજ્ઞાનનો અંધકાર દૂર કરવા અને સત્યના માર્ગે અડગ રહેવાની પ્રેરણા આપે છે,તેમનું ઉગ્ર સ્વરૂપ આપણને યાદ અપાવે છે કે જીવનમાં રહેલી દુષ્ટ વૃત્તિઓ અને નકારાત્મક વિચારો સામે લડવા માટે આંતરિક શક્તિ જરૂરી છે.આ નવરાત્રીના સાતમા નોરતે આપણે મા કાલરાત્રિના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનમાંથી ભય, અજ્ઞાન, દ્વેષ અને અહંકારનો નાશ થાય,આપણામાં સત્ય, પ્રેમ, કરૂણા, નિર્ભયતા અને આત્મવિશ્વાસનો વિકાસ થાય તથા સૌના જીવનમાં સુખ, શાંતિ અને મંગલનો પ્રકાશ ફેલાય.

આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!