Uncategorizedહિમતનગર

હિંમતનગર નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિકાસ પેનલની ભવ્ય જીત સ્વતંત્ર ઉમેદવાર તરીકે એકમાત્ર અમૃતભાઈ બાબુલાલ પુરોહિતનો નોંધપાત્ર વિજય

શીતલ ઠાકર ગાંધીનગર

હિંમતનગરની પ્રતિષ્ઠિત હિંમતનગર નાગરિક સહકારી બેંકની યોજાયેલ ચૂંટણીમાં વિકાસ પેનલે પ્રચંડ બહુમતી સાથે વિજય મેળવ્યો છે. કુલ ૧૩ બેઠકો માટે યોજાયેલી આ ચૂંટણીમાં વિકાસ પેનલ, પરિવર્તન પેનલ તેમજ અનેક સ્વતંત્ર ઉમેદવારો સહિત કુલ ૪૨ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા.ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદથી જ વિવાદોમાં રહેલી આ ચૂંટણીમાં અનેક ઉતાર-ચઢાવ વચ્ચે અંતે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. સામાન્ય વિભાગ માટે ૧૦ પુરુષ ઉમેદવારો, મહિલા વિભાગ માટે ૨ મહિલા ઉમેદવારો તથા અનુસૂચિત જાતિ માટે ૧ ઉમેદવાર માટે મતદાન યોજાયું હતું.પરિણામ મુજબ વિકાસ પેનલના કુલ ૧૨ ઉમેદવારો વિજયી બન્યા હતા, જ્યારે સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડતા હિંમતનગર નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ, સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટના પ્રમુખ તથા સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે સતત સેવાભાવી કામગીરી માટે ઓળખાતા અમૃતભાઈ બાબુલાલ પુરોહિતએ ભવ્ય વિજય નોંધાવ્યો હતો. વિકાસ પેનલની સ્પષ્ટ લહેર વચ્ચે પણ એકમાત્ર સ્વતંત્ર ઉમેદવાર તરીકે તેમનો વિજય વિશેષ ચર્ચાનો વિષય બન્યો છે.આ ચૂંટણીમાં વિકાસ પેનલના ઉમેદવાર હિરેનભાઈ ગોરને સૌથી વધુ મત મળ્યા હોવાનું જાહેર થયું હતું. સાથે જ વિકાસ પેનલ તરફથી લડતા દિગ્વિજયસિંહ ચાવડા (મુન્ના બાપુ)એ પણ આ ચૂંટણીમાં સરળતાથી જીત મેળવી હતી. વધુમાં વિકાસ પેનલમાંથી કલ્પનાબેન પટેલ (પૂર્વ નગરપાલિકા પ્રમુખ)એ પણ ભવ્ય વિજય હાંસલ કર્યો હતો.બીજી તરફ પરિવર્તન પેનલ તરફથી ચૂંટણી લડતા હિંમતનગર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી, કાકરોલના પૂર્વ સરપંચ શ્રી તથા હિંમતનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ડિરેક્ટર શ્રીને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. પરિણામે આ ચૂંટણી પરિવર્તન પેનલ માટે ભારે આઘાતરૂપ સાબિત થઈ હતી અને પેનલને તમામ બેઠકો પર પરાજયનો સામનો કરવો પડ્યો હતો.સમગ્ર ચૂંટણી પરિણામે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે મતદારો હવે વ્યક્તિગત ઓળખ કે સમુદાયના આધાર પર નહીં પરંતુ વિકાસ, પારદર્શક સંચાલન અને લાંબા ગાળાના હિતોને પ્રાધાન્ય આપી રહ્યા છે. નાગરિક બેંકની આ ચૂંટણી લોકશાહીમાં જનજાગૃતિ અને જવાબદારીનું સ્પષ્ટ પ્રતિબિંબ બની રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!