વિદ્યાનગરી હિંમતનગર ખાતે ‘પારુલબા ઓડિટોરિયમ’નું ઉદ્ઘાટન તથા મા. ડૉ. ડી. એલ. પટેલ જ્ઞાનસત્ર–2026નું આયોજન

શીતલ ઠાકર,ગાંધીનગર
વિદ્યાનગરી, હિંમતનગર ખાતે કેળવણીની સંસ્કાર સરિતા વિશ્વમંગલમ્ કેળવણી મંડળ સંચાલિત મહિલા આર્ટ્સ કોલેજના યજમાનપદે ‘પારુલબા ઓડિટોરિયમ’ના ઉદ્ઘાટન તથા મા. ડૉ. ડી. એલ. પટેલ જ્ઞાનસત્ર–2026નું ભવ્ય આયોજન તારીખ 19-01-2026ના રોજ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ શિક્ષણવિદ અને વિદ્યાનગરીના સ્થાપક મા. ડૉ. ડી. એલ. પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. ઉદ્ઘાટક તરીકે રાયગઢ અગ્નિહોત્રાશ્રમના પ્રો. ડૉ. યોગેન્દ્ર અગ્નિહોત્રીજી ઉપસ્થિત રહ્યા હતા. આશીર્વાદ વચન દાતા તરીકે બ્રહ્માકુમારી હિંમતનગર સેન્ટરના શોભનાબેન અને મુખ્ય વક્તા તરીકે રાજયોગ શિક્ષિકા બી.કે. ડૉ. દામિનીબેન ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં કેળવણી મંડળના ઉપપ્રમુખ નારાયણભાઈ ઉપાધ્યાય, મંત્રી દેવેન્દ્રભાઈ સુતરીયા, ટ્રસ્ટી મહેન્દ્રભાઈ પટેલ, જયદીપભાઈ પટેલ, અક્ષયભાઈ પટેલ તેમજ મંડળના હોદ્દેદારો, પારુલબા પરિવારના સ્નેહી સભ્યો અને શહેરના શિક્ષણ, સંસ્કાર તથા કલા પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.જ્ઞાનસત્રના મુખ્ય વક્તા બી.કે. ડૉ. દામિનીબેને “સંસ્કાર અને મૂલ્યો જીવનની સફળતાનો આધાર” વિષય પર અનેક ઉદાહરણો સાથે યુવા વિદ્યાર્થીઓને મૂલ્યલક્ષી અને પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું. પ્રાસંગિક પ્રવચનમાં મા. ડૉ. ડી. એલ. પટેલ તથા અન્ય મહાનુભાવોએ વર્તમાન પેઢીમાં મૂલ્ય આધારિત શિક્ષણ દ્વારા રાષ્ટ્ર નિર્માણ પર વિશેષ ભાર મૂક્યો હતો.કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના પ્રિન્સિપાલ ડૉ. કનૈયાલાલ એલ. પટેલે સ્વાગત પ્રવચન દ્વારા મહેમાનોને આવકારી ઓડિટોરિયમના ઉદ્ઘાટન અને જ્ઞાનસત્રના મહત્ત્વ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો તેમજ વિદ્યાનગરીની તેજસ્વી પ્રતિભાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
વિદ્યાનગરી સંલગ્ન વિવિધ ભગીની સંસ્થાઓના આચાર્યશ્રી, અધ્યાપકો, શિક્ષકમિત્રો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની ઉપસ્થિતિએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. અરવિંદ એસ. પટેલે કર્યું હતું તથા આભાર દર્શન પ્રિ. ડૉ. હર્ષદભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું.




