હિંમતનગરમાં ૧૦૦૮ શ્રી શાંતિનાથ ભગવાનના પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું
મહોત્સવ અંતર્ગત ૨૭ જાન્યુઆરીથી ૧ ફેબ્રુઆરી સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે

શીતલ ઠાકર,ગાંધીનગર
હિંમતનગરના મહાવીરધામ ખાતે ૧૦૦૮ શાંતિનાથ ભગવાનના પંચમતી મહોત્સવ અંતર્ગત શાંતિયજ્ઞ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજે દેરાસરથી બેન્ડ-વાજા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.હિંમતનગરના તીર્થધામ મહાવીરધામ ખાતે જિનેન્દ્ર ૧૦૦૮ શ્રી શાંતિનાથ ભગવાનના પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ અંતર્ગત ૨૭ જાન્યુઆરીથી ૧ ફેબ્રુઆરી સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાનાર છે. મહોત્સવના પ્રથમ દિવસે ગર્ભ કલ્યાણક પૂર્વક્રિયા કરવામાં આવી હતી. આ પ્રસંગે આજે દેરાસરથી બેન્ડ-વાજા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રા મહાવીરધામથી શરૂ થઈ મહાવીરનગર, ખેડ તસીયા રોડ અને છાપરિયા ચાર રસ્તા થઈને વૈશાલી ગ્રાન્ડ ખાતે પહોંચી હતી. શોભાયાત્રા બાદ ધ્વજારોહણ, નાંદી કલશ સ્થાપના, ઇન્દ્ર પ્રતિષ્ઠા, યાગમંડળ વિધાન, ઇન્દ્રસભા, રાજસભા તેમજ સોળ સ્વપ્નોનું અદભૂત પ્રદર્શન યોજાયું હતું. ભવ્ય અને ભક્તિભર્યા માહોલમાં યોજાયેલી આ શોભાયાત્રામાં જૈન સમાજના મોટી સંખ્યામાં ભાઈ-બહેનો જોડાયા હતા. જોકે પંચકલ્યાણક મહોત્સવ અંતર્ગત કુલ છ દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રથમ દિવસે ગર્ભ કલ્યાણક પૂર્વક્રિયા, બીજા દિવસે ગર્ભ કલ્યાણક, ત્રીજા દિવસે જન્મ કલ્યાણક, ચોથા દિવસે તપ કલ્યાણક, પાંચમા દિવસે જ્ઞાન કલ્યાણક અને છઠ્ઠા દિવસે મોક્ષ કલ્યાણક કાર્યક્રમો યોજાશે





