સાદોલીયા મર્ડર કેસમાં પકડાયેલા ત્રણેયના રીમાન્ડ મેળવવા પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરાયા.
ન્યાયાધીશે ચારેયને ૩ દિવસના રીમાન્ડ મંજૂર કરાયા.

જીજ્ઞેશ સોની હિંમતનગર
પ્રાંતિજ તાલુકાના સાદોલીયા ગામે પ્રેમસબંધની આડમાં ભાભીએ પોતાના પ્રેમી સાથે પ્રેમ કરવામાં આડખીલી બનેલ સગા દિયરની હત્યા કરવા માટે ચાર જણાને રૂા. ર લાખમાં આપેલી સોપારી બાદ આ ચારેય જણાએ દિયરને કન્યા બતાવવાના બહાને ઈકોમાં બેસાડી લઈ ગયા બાદ બે દિવસ અગાઉ ઈકોમાં જ ગળાટુંપો આપીને હત્યા કરી દીધી હતી અને લાશ પ્રાંતિજ તાલુકાના કાલીપુરથી લવારી ગામ તરફ જતાં રોડ પર કચરામાં ફેંકી દીધી હતી. જે અંગેની ફરીયાદ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાયા બાદ પોલીસે શકને આધારે ચારેય જણાને શુક્રવારે રાત્રે ઝડપી લીધા હતા. ત્યારબાદ જરૂરી પુછપરછ કરીને આ ચારેયને શનિવારે પ્રાંતિજ કોર્ટમાં રજૂ કર્યા હતા જ્યાં ન્યાયાધીશે ચારેયના ત્રણ દિવસના રીમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારબાદ પોલીસે વધુ પુછપરછ કરવા માટે તેમને લઈ જવાયા હતા.આ અંગેની વિગત એવી છે કે સાદોલીયા ગામે રહેતા વિષ્ણુસિંહ મકવાણા ગત બુધવારે મોડી રાત સુધી પરત ન ફરતા તેમના ભાભી કોકિલાબેન મકવાણા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ગયા હતા અને ફરીયાદ નોંધાવવાનું કહ્યું હતુ. પરંતુ કોકિલાબેનની વર્તણૂંક શંકાસ્પદ જણાઈ હતી. ત્યારબાદ વિષ્ણુસિંહ મકવાણાના સંપર્કો અંગે પોલીસે તપાસ કરી હતી. જેમાં જાણવા મળ્યા મુજબ કોકિલાબેનને દોલતસિંહ અર્જુનસિંહ મકવાણા સાથે પ્રેમસબંધ હોવાનો તેમના દિયર વિષ્ણુસિંહને વહેમ હતો જેના લીધે ઘરમાં અવારનવાર ઝઘડા થતાં હતા.ત્યારબાદ કોકિલાબેને પોતાના પ્રેમી દોલતસિંહ મકવાણા, વિક્રમસિંહ કાળુસિંહ મકવાણા, (ત્રણેય રહે. સાદોલીયા) અને અનોડીયા છેલ્લાવાસમાં રહેતા રમેશસિંહ અર્જુનસિંહ મકવાણાને વિષ્ણુસિંહ મકવાણાનો કાંટો કાઢી નાંખવા માટે રૂા. ર લાખની સોપારી અપાઈ હતી. ત્યારબાદ આ ત્રણેય જણાએ વિષ્ણુસિંહ અપરિણીત હોવાને કારણે છોકરી બતાવવાના બહાને ઈકોમાં બેસાડી લઈ ગયા હતા. જ્યાં ઈકોમાં જ ગળાટૂંપો આપી હત્યા કરી દેવામાં આવી હતી.ત્યારબાદ સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટી જતાં કોકિલાબેનના પતિ ગણપતસિંહ નવલસિંહ મકવાણાએ ચારેય વિરૂધ્ધ શુક્રવારે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવ્યા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં ચારેયને શોધી કાઢયા હતા. ત્યારબાદ શનિવારે વધુ પુછપરછ માટે તેમને પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં ન્યાયાધીશે ચારેયના ત્રણ દિવસના એટલે કે તા. ૦૯ ફેબ્રુઆરીના સાંજે ચાર વાગ્યા સુધીના રીમાન્ડ મંજૂર કરતાં પોલીસે તેમનો કબજો લઈ વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.





