પ્રાંતિજ

NH-48 પર સતત મોતના અકસ્માતો છતાં તંત્ર નિષ્ક્રિય પ્રાંતિજના મજરા નજીક ફરી બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત

અમદાવાદ-પ્રાંતિજ નેશનલ હાઈવે-૪૮ પર પ્રાંતિજના મજરા નજીક સર્વિસ રોડ ઉપર ફરી એકવાર ગંભીર અકસ્માત સર્જાતા હાઈવે સુરક્ષાને લઈને અનેક સવાલો ઉભા થયા છે. ઓવરબ્રિજ નીચેથી તલોદ તરફ જઈ રહેલી ટ્રકને અમદાવાદ તરફથી પૂરઝડપે આવી રહેલી બીજી ટ્રકે પાછળથી અડફેટે લેતા ટ્રક પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

હાલ નેશનલ હાઈવે પર મેન્ટેનન્સ અને અન્ય કામગીરીના કારણે વાહનોને સર્વિસ રોડ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, પરંતુ ત્યાં પણ કોઈ અસરકારક ટ્રાફિક નિયંત્રણ કે સલામતીના પગલાં લેવામાં આવ્યા નથી. ડાયવર્ઝન રૂટ પર ભારે વાહનો બેફામ ઝડપે દોડતા હોવા છતાં પૂરતા દિશાસૂચક બોર્ડ, સ્પીડ લિમિટ સૂચનાઓ કે ચેતવણી બોર્ડ જોવા મળતા નથી.

અગાઉ પણ જશવંતગઢ નજીક ગેરકાયદેસર રીતે ઉભા રાખવામાં આવેલા વાહન પાછળ લક્ઝરી બસ ઘૂસી જતા અનેક મુસાફરોના મોત નિપજ્યા હતા. સતત જીવલેણ અકસ્માતો બનતા હોવા છતાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને માર્ગ મેન્ટેનન્સ સંભાળતી એજન્સીઓના અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી તેવી લોકચર્ચા ઉઠી રહી છે.

લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કે ટોલટેક્સના નામે વાહનચાલકો પાસેથી કરોડો રૂપિયાની વસૂલાત કરવામાં આવે છે, છતાં માર્ગ સુરક્ષા માટેની મૂળભૂત સુવિધાઓ જ ઉપલબ્ધ નથી. અકસ્માત બાદ માત્ર કાગળ પરની કાર્યવાહી અને દેખાવ પૂરતી કામગીરી કરવામાં આવતી હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે.

સ્થાનિકોમાં માંગ ઉઠી રહી છે કે નેશનલ હાઈવે-૪૮ પર સર્જાતા અવારનવારના અકસ્માતોને ગંભીરતાથી લઈને જવાબદાર અધિકારીઓ અને સંબંધિત એજન્સીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ ડાયવર્ઝન રૂટ પર તાત્કાલિક અસરથી સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!