પ્રાંતિજ

પ્રાંતિજમાં ડિટર્જન્ટ અને યુરિયા ખાતરથી બનાવાતું નકલી દૂધનો પર્દાફાશ : મુખ્ય સંચાલક 20 દિવસ બાદ ઝડપાયો

શીતલ ઠાકર,ગાધીનગર

પ્રાંતિજ તાલુકાના સલાલ વિસ્તારમાં નકલી દૂધ બનાવતી એક યુનિટ પર પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ડિટર્જન્ટ પાઉડર અને યુરિયા ખાતર જેવા રસાયણોના મિશ્રણથી બનાવટી દૂધ તૈયાર કરવામાં આવતું હોવાનો ખુલાસો થયો હતો. સ્થળ પરથી પાંચ આરોપીઓને ઝડપી લેવાયા હતા, જ્યારે મુખ્ય સંચાલક રાકેશ પટેલ ઉર્ફે ધમો ફરાર થઈ ગયો હતો.

દરોડાના લગભગ ૨૦ દિવસ બાદ પોલીસે રાકેશ પટેલને ઝડપી પાડ્યો છે. તેને પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે વધુ રિમાન્ડની માંગણી કરી હતી જેથી નકલી દૂધના નેટવર્ક અને તેમાં સંકળાયેલા અન્ય લોકો અંગે વિગતવાર તપાસ કરી શકાય.

પ્રાથમિક તપાસ મુજબ, પ્રાંતિજમાંથી દરરોજ અંદાજે ૩,૦૦૦ લીટર જેટલું નકલી દૂધ અરવલ્લી, ગાંધીનગર અને સાબરકાંઠા જિલ્લામાં સપ્લાય કરવામાં આવતું હતું. “સત્યા ડેરી પ્રોડક્ટ” નામે આ ગેરકાયદેસર કારોબાર ચલાવવામાં આવતો હતો અને છાસ તથા દૂધને આકર્ષક પેકિંગમાં બજારમાં વેચાણ માટે મોકલવામાં આવતું હતું.

હાલ પોલીસ દ્વારા સમગ્ર સપ્લાય ચેઇન, સંકળાયેલા વેપારીઓ તથા નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કેટલા સમયથી ચાલી રહી હતી અને તેમાં અન્ય કોણ સંડોવાયેલું હતું તે અંગે આગામી દિવસોમાં મહત્વના ખુલાસા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથે જ, સ્થાનિક સ્તરે દેખરેખ અને નિયંત્રણ વ્યવસ્થાને લઈને પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!