Uncategorized

પોલીસની ખોટી ઓળખ આપી યુવકનું અપહરણ કરી લૂંટ ચલાવનાર બે શખ્સોને હિંમતનગર પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા

ભારતસિહ રાઠોડ,સાબરકાંઠા

હિંમતનગર શહેરના ટાવર ચોક વિસ્તારમાં પોલીસની ખોટી ઓળખ આપી એક યુવકનું અપહરણ કરી તેની પાસે રહેલ મોબાઈલ તથા રોકડ રકમની લૂંટ ચલાવવાનો ગંભીર ગુનો પ્રકાશમાં આવ્યો છે. હિંમતનગર બી ડીવીઝન પોલીસે આ ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી બે આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.

ઘટનાની વિગત મુજબ, તા. ૦૧/૦૩/૨૦૨૬ ના રોજ મૂળ રાજસ્થાનના રહેવાસી અક્ષય કાંતિલાલ ખરાડી હિંમતનગર ટાવર ચોક પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન મોટરસાયકલ પર આવેલા બે ઇસમોએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી “તું કેમ ચોરીઓ કરે છે?” તેમ કહી યુવકને ડરાવી મોટરસાયકલ પર બેસાડી તેનું અપહરણ કર્યું હતું. આરોપીઓ તેને મહેતાપુરા હાથમતી નદીના ઢાળમાં લઈ ગયા હતા, જ્યાં તેને લાફા મારી તેની પાસેથી મોબાઈલ ફોન અને ખિસ્સામાં રહેલી રોકડ રકમની બળજબરીપૂર્વક લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.

આ ઘટના અંગે હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતા, પોલીસ અધીક્ષક શ્રી ડો. પાર્થરાજસિંહ ગોહિલ સાહેબની સૂચનાથી તપાસ હાથ ધરવામાં આવી હતી. સરકારશ્રીના ‘વિશ્વાસ પ્રોજેક્ટ’ હેઠળ શહેરમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજ અને ખાનગી બાતમીદારોની મદદથી પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને આરોપીઓને પકડી પાડ્યા હતા.

પકડાયેલ આરોપીઓ:
૧. પ્રવિણભાઈ ઉર્ફે પુસીયો અશોકભાઈ ભાટ (રહે. ભાટ વાસ, હિંમતનગર)
૨. દીપકકુમાર હસમુખભાઈ ભાટ (રહે. ભાટ વાસ, હિંમતનગર)

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મુખ્ય આરોપી પ્રવિણભાઈ ઉર્ફે પુસીયો અગાઉ હિંમતનગર અને અમદાવાદમાં જુગાર, પ્રોહિબિશન અને મારામારી જેવા ૧૦ જેટલા ગુનાઓમાં સંડોવાયેલો છે અને અગાઉ ‘પાસા’ હેઠળ જેલવાસ પણ ભોગવી ચૂક્યો છે. હિંમતનગર બી ડીવીઝન પોલીસની આ ત્વરિત કામગીરીને પગલે ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!