હિંમતનગરમાં એ.આર. કન્સલ્ટન્સી પોન્ઝી સ્કીમ કૌભાંડ ત્રણ કરોડથી વધુની છેતરપિંડી મામલે મુખ્ય આરોપી પોલીસ જાળમાં

શીતલ ઠાકર,ગાંધીનગર
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં એ.આર. કન્સલ્ટન્સી નામની પેઢી દ્વારા પોન્ઝી સ્કીમ ચલાવી રોકાણકારોને આકર્ષક વળતરની લાલચ આપી કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાનો મોટો ભંડાફોડ થયો છે. ત્રણ કરોડથી વધુની છેતરપિંડીના કેસમાં હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે. મુખ્ય આરોપીની અટકાયત બાદ સમગ્ર કૌભાંડમાં હજુ વધુ મહત્વના ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે એ.આર. કન્સલ્ટન્સી નામની પેઢીના સંચાલકો દ્વારા લોકોને ત્રણ ટકા થી લઈ દસ ટકા સુધીના ઊંચા વળતરની લાલચ આપી મોટી સંખ્યામાં રોકાણ કરાવવામાં આવ્યું હતું. સંચાલકો તથા તેમના એજન્ટો દ્વારા રોકાણકારોને ફોરેક્સ ટ્રેડિંગમાં નાણાં રોકાણ કરવાથી અનેક ગણું નફો મળશે તેવી લોભામણી વાતો કરી વિશ્વાસમાં લીધા હતા. આ લાલચમાં આવી અનેક રોકાણકારોએ લાખો રૂપિયાનું રોકાણ કર્યું હતું.
પરંતુ સમયસર વળતર ન મળતા અને મૂડી પણ પરત ન થતા રોકાણકારોમાં અસંતોષ ફાટી નીકળ્યો હતો. અંતે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રોકાણકારોએ લેખિત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી આરોપીઓને ઝડપી લેવા માટે અલગ અલગ ત્રણથી વધુ ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરી હતી.
તપાસ દરમિયાન પોલીસે એ.આર. કન્સલ્ટન્સીની ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને કેટલાક મહત્વના દસ્તાવેજો કબજે લીધા હતા. પોલીસે એક ફરિયાદી તથા આશરે દસ જેટલા સાક્ષીઓના નિવેદનો લઈ મહત્વપૂર્ણ પુરાવાઓ એકત્રિત કર્યા છે. તપાસમાં બહાર આવ્યું છે કે સંચાલકો દ્વારા રોકાણકારોને તેમના નાણાં બીટકોઈન તથા યુએસડીટીમાં બાય-સેલ કરવાના હોવાનું જણાવી રાષ્ટ્રીયકૃત બેંકો કરતા વધુ વ્યાજ આપવાની લાલચ આપી રોકાણ કરાવવામાં આવતું હતું.
રોકાણકારો પાસેથી વિવિધ રકમ સ્વીકારી અંદાજે અગિયાર મહિના સુધી ન તો વળતર ચૂકવાયું અને ન તો મૂડી પરત આપવામાં આવી. હાલ સુધી દસથી વધુ રોકાણકારો દ્વારા અંદાજે ત્રણ કરોડ બેયાલીસ લાખ રૂપિયા જેટલું રોકાણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. નક્કી કરેલા વળતર કે મૂડી પરત ન મળતા અંતે રોકાણકારોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપીઓને શોધવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. અગાઉ બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા જ્યારે ગત રોજ મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે. મુખ્ય આરોપીની અટકાયત બાદ સમગ્ર કૌભાંડમાં વધુ રોકાણકારો અને વધુ રકમનો ખુલાસો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતના અનેક રોકાણકારોને આકર્ષક સ્કીમોની લાલચ આપી રોકાણ કરાવવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે મુખ્ય આરોપીની પૂછપરછ શરૂ કરી છે અને આવનારા દિવસોમાં આ સમગ્ર પોન્ઝી સ્કીમ કૌભાંડમાં વધુ મોટા ખુલાસા થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.



