સાબરકાંઠા

નકલી પોલીસે એનડીપીએસના આરોપીનું અપહરણ કરી આઠ લાખ પડાવ્યા, એ-ડિવિઝન પોલીસે કૌભાંડનો ભાંડો ફોડ્યો

શીતલ ઠાકર,ગાધીનગર

હિંમતનગર શહેરમાં નકલી પોલીસ બની રૂપિયા પડાવવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. સમગ્ર બનાવ અંગે હિંમતનગર એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે એક અન્ય આરોપીની શોધખોળ ચાલુ છે.મળતી માહિતી મુજબ ગત ૧૦ ફેબ્રુઆરીના રોજ હિંમતનગરના રતનલાલ કિશનલાલ સુથાર પાસેથી અફીણની પડીકી મંગાવવામાં આવી હતી. જ્યારે રતનલાલ કિશનલાલ સુથાર અફીણની પડીકી આપવા પહોંચ્યા ત્યારે આરોપીઓએ પોતાને પોલીસ તરીકે ઓળખ આપી તેમને ધમકાવી કાયદેસરની કાર્યવાહી કરવાની ધમકી આપી હતી.

આરોપીઓએ શરૂઆતમાં દસ લાખ રૂપિયાની માંગ કરી હતી અને મામલો પતાવવાની આડમાં રકમ માંગવામાં આવી હતી. બાદમાં રકઝક બાદ આખરે આઠ લાખ રૂપિયા લઈને મામલો પતાવ્યો હતો. જોકે બાદમાં રતનલાલ કિશનલાલ સુથારને ખબર પડી કે આરોપીઓ પોલીસ નહીં પરંતુ નકલી પોલીસ બની પૈસા પડાવનાર હતા.

ત્યારબાદ તેમના સગા દ્વારા હિંમતનગર એ-ડિવિઝન પોલીસ મથકે ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હિંમતનગરના વિરેન્‍દ્ર ખટીક અને પ્રાંતિજ તાલુકાના સોનાસણ ગામના વિપુલ વણકરને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય એક આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે અફીણની પડીકી આપનાર રતનલાલ કિશનલાલ સુથાર સામે પણ અગાઉ એનડિપીએસ અધિનિયમ હેઠળ પોલીસ કાર્યવાહી થઈ ચૂકી હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!