હિમતનગર
હિંમતનગર સ્ટાફ ક્વાર્ટર્સમાં ચોરી, સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નચિન્હ

શીતલ ઠાકર,ગાંધીનગર
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર સ્થિત સિવિલ હોસ્પિટલના સ્ટાફ ક્વાર્ટર્સમાં તસ્કરો ત્રાટકતા સુરક્ષા વ્યવસ્થાને લઈને પ્રશ્નચિન્હ ઊભું થયું છે. સુરક્ષિત માનવામાં આવતા આ કેમ્પસમાં ચોરીની ઘટનાએ સ્ટાફમાં ભયનો માહોલ સર્જ્યો છે.

માહિતી મુજબ, તસ્કરોએ સ્ટાફ ક્વાર્ટર્સમાં આવેલા એક ફ્લેટના દરવાજાનો નકૂચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. જ્યાં મહિલા કર્મચારીના રહેણાંક મકાનમાંથી સોના અને ચાંદીના દાગીનાની ચોરી કરવામાં આવી હતી.

આ ઘટનામાં અંદાજે રૂપિયા ૧.૭૯ લાખની કિંમતના દાગીનાની ચોરી થયાનું સામે આવ્યું છે. ઘટના બાદ હિંમતનગર એ ડિવિઝન પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સુરક્ષિત ગણાતા સરકારી કેમ્પસમાં આવી ઘટના બનતા હવે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવાની માંગ ઉઠી રહી છે.




