હિંમતનગર કોટન માર્કેટ યાર્ડમાં તંબાકુ ખરીદી તેજી પર, ત્રણ દિવસમાં ૮ હજાર બોરીની આવક

શીતલ ઠાકર,ગાંધીનગર
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે તંબાકુ પાકને લઈને માર્કેટ યાર્ડમાં ખરીદી શરૂ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હિંમતનગર સહકારી જિન પાસે આવેલા કોટન માર્કેટ યાર્ડમાં તા. ૨ એપ્રિલથી તંબાકુની સત્તાવાર ખરીદી શરૂ થઈ છે.

જિલ્લામાં આ વર્ષે તંબાકુનું વાવેતર મોટા પ્રમાણમાં કરવામાં આવ્યું હોવાથી સીઝનની શરૂઆત સાથે જ ખેડૂતો પોતાના પાકને વેચવા માટે માર્કેટ યાર્ડ તરફ વળ્યા છે. ખરીદીના પ્રથમ દિવસે ૧૩૦૦ થી ૧૮૫૦ રૂપિયા સુધીના ભાવ મળતા અંદાજે ૮૫૦ બોરી તંબાકુની આવક નોંધાઈ હતી. બીજા દિવસે ભાવમાં વધારો નોંધાયો હતો અને ૧૩૦૦ થી ૨૧૦૦ રૂપિયા સુધીના ભાવ મળતા આશરે ૨૪૦૦ બોરી તંબાકુ માર્કેટ યાર્ડમાં આવી પહોંચ્યું હતું.

જ્યારે ત્રીજા દિવસે કુલ મળીને લગભગ ૮ હજાર બોરી તંબાકુની આવક નોંધાતા યાર્ડમાં ખરીદીની પ્રક્રિયામાં તેજી જોવા મળી રહી છે. માર્કેટ યાર્ડમાં ખેડૂતોની ભારે ભીડ જોવા મળી રહી છે અને વધતી આવકને ધ્યાનમાં રાખીને વેપારીઓ તેમજ તંત્ર દ્વારા ખરીદી પ્રક્રિયા ઝડપી બનાવવા માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.




