મોતીપુરા-સહકારી જીન રોડ પર ટક્કર મારી ફરાર, રાહદારીનું મોત

શીતલ ઠાકર,ગાંધીનગર
એ-ડીવીઝન પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મોતીપુરાથી સહકારી જીન જતા નેશનલ હાઈવે પર બનેલી ટક્કર મારી ફરાર ઘટનામાં એક રાહદારીનું મોત નિપજ્યું છે. બેદરકારી અને પૂરઝડપે દોડાવવામાં આવેલ ફોર વ્હીલરના ચાલકે રોડ ક્રોસ કરી રહેલા વ્યક્તિને અડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.
આ અંગે મળતી માહિતી મુજબ હિંમતનગર તાલુકાના હાપા ગામના માઢ ફળીયામાં રહેતા દિવાનસિંહ નટવરસિંહ પરમારે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ તા. 13 એપ્રિલના રોજ સાંજના સુમારે મોતીપુરાથી સહકારી જીન જતા માર્ગ પર વાહન નં. DL-1NA-4121ના ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી રોડ ક્રોસ કરી રહેલા નટવરસિંહ ઉદેસિંહ પરમારને જોરદાર ટક્કર મારી હતી.
અકસ્મતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા નટવરસિંહ પરમારને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ વાહનચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાને લઈ દિવાનસિંહ પરમારે એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




