કોંગ્રેસનો પ્રહાર: ભ્રષ્ટાચાર વધ્યો, વિકાસ અટક્યો

શીતલ ઠાકર,ગાંધીનગર
નગરપાલિકાની ૧૧ વોર્ડની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ મતદારોનો સંપર્ક શરૂ કરી દીધો છે. શનિવારે વોર્ડ નં. ૬ સહિત અનેક વિસ્તારોમાં ઉમેદવારોની પેનલોએ સોસાયટીઓમાં જઈ મત આપવા અપીલ કરી હતી.
કોંગ્રેસના ઉમેદવારો શહેરમાં ભ્રષ્ટાચાર વધ્યો હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. સાથે જ શહેરનો વિકાસ રૂંધાયો હોવાનું જણાવી અમુક વિસ્તારોમાં આજદિન સુધી જરૂરી કામો થયા નથી તે મુદ્દે મતદારો સમક્ષ રજૂઆત કરી મત માંગતા જોવા મળ્યા હતા.
શુક્રવારે ગુજરાતના મુખ્યમંત્રીએ હિંમતનગરમાં સભા યોજી પ્રચારનો પ્રારંભ કર્યા બાદ શહેરમાં ચૂંટણી ચહલપહલ વધી ગઈ છે. ઉમેદવારો ઘરઘર જઈ મતદારોને મળતા જોવા મળી રહ્યા છે.
સ્થાનિક લોકોએ રસ્તા, પાણી, ગટર અને સફાઈ જેવા પ્રશ્નો રજૂ કર્યા હતા. ઉમેદવારો પ્રશ્નોના ઉકેલની ખાતરી આપી રહ્યા છે.
મતદાનને હવે માત્ર આઠ દિવસ બાકી હોવાથી ઉમેદવારો અને ટેકેદારો તૈયારીઓમાં લાગી ગયા છે. રાત્રિ મીટીંગોનો દોર પણ શરૂ થતા ચૂંટણી કાર્યાલયોમાં મોડી રાત સુધી રાજકીય સમીકરણો રચાઈ રહ્યા છે.




