ટોચના સમાચાર

ગરમીનો માર, પ્રચારની નિરસતા, બદલાયેલા મતદાન મથકો અને જનઅસંતોષથી સાબરકાંઠામાં મતદાન ટકાવારી ઘટી

હિંમતનગર, સાબરકાંઠામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હોવા છતાં મતદાનની ટકાવારીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાઓમાં ગત ચૂંટણીની સરખામણીએ સરેરાશ પાંચ ટકાનો ઘટાડો નોંધાતા રાજકીય અગ્રણીઓ અને વિશ્લેષકોમાં ચિંતા જોવા મળી રહી છે.

જિલ્લા પંચાયતની 34 બેઠકો પર સરેરાશ 66.05 ટકા મતદાન થયું હતું, જ્યારે તાલુકા પંચાયતની ચૂંટણીમાં 66.41 ટકા મતદાન નોંધાયું હતું. હિંમતનગર નગરપાલિકામાં 57.06 ટકા, ઈડર નગરપાલિકામાં 68.38 ટકા અને વડાલી નગરપાલિકામાં સૌથી વધુ 78.74 ટકા મતદાન નોંધાયું હતું.

મતદાન ટકાવારી ઘટવા પાછળ અનેક કારણો જવાબદાર હોવાનું માનવામાં આવે છે. અસહ્ય ગરમીને કારણે ઘણા મતદારો ઘરની બહાર નીકળ્યા નહોતા. ઉમેદવારોના નબળા પ્રચાર, વોર્ડની ફેરબદલી અને એસઆઈઆર બાદ બદલાયેલા મતદાન મથકોની પૂરતી જાણકારી ન હોવાને કારણે પણ અનેક મતદારો મતદાનથી દૂર રહ્યા હોવાનું અનુમાન છે.

તે ઉપરાંત ઘણા મતદારોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રત્યે અસંતોષ પણ જોવા મળ્યો હતો. લોકોનું માનવું છે કે કેટલાક ઉમેદવારો જીત્યા બાદ સામાન્ય નાગરિકોની સમસ્યાઓમાં રસ લેતા નથી, લોકો માટે ઉપલબ્ધ રહેતા નથી અને મળવાનો પ્રયત્ન કરવા છતાં મળતા નથી. જેના કારણે મતદારોમાં નિરાશા ફેલાઈ છે.

ખાસ કરીને હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં કેટલાક એવા નેતાઓ છે, જે વર્ષોથી ફક્ત પક્ષના આધાર અને સિમ્બોલના બળ પર જીતતા આવ્યા છે. હવે આવા જનપ્રતિનિધિઓએ પણ લોકોની લાગણી, સમસ્યાઓ અને અપેક્ષાઓને સમજવાની જરૂર હોવાનું સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહ્યું છે. મતદારો હવે માત્ર પક્ષ નહીં પરંતુ કાર્યક્ષમતા અને ઉપલબ્ધતા પણ જોતા થયા છે.

કેટલાક મતદારોમાં સ્થાનિક નેતાઓ પ્રત્યે રસનો અભાવ જોવા મળ્યો હતો, જ્યારે શિક્ષિત વર્ગના કેટલાક લોકો પોતાની સમસ્યાઓ જાતે ઉકેલી શકે તેવી માન્યતાને કારણે મતદાન પ્રત્યે નિષ્ક્રિય રહ્યા હોવાનું પણ જાણવા મળે છે.

બીજી તરફ ખેડબ્રહ્મા તાલુકામાં 77.69 ટકા અને પોશીના તાલુકામાં 79.07 ટકા મતદાન નોંધાતા આ બંને વિસ્તારો જિલ્લામાં સૌથી આગળ રહ્યા હતા. નિષ્ણાતો માને છે કે શિક્ષણનું વધતું પ્રમાણ, સરકારી યોજનાઓનો વ્યાપ અને સ્થાનિક સક્રિયતા તેના મુખ્ય કારણો હોઈ શકે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!