ઈડર નગરપાલિકા પ્રમુખપદ માટે ૬ મહિલા નામ ચર્ચામાં

સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે ઈડર નગરપાલિકામાં સત્તા રચનાની પ્રક્રિયા કેન્દ્રમાં આવી છે. ખાસ કરીને પ્રમુખપદને લઈને શહેરમાં રાજકીય હલચલ વધતી જોવા મળી રહી છે. રોસ્ટર મુજબ આ વખતે પ્રથમ અઢી વર્ષ માટે સામાન્ય મહિલા પ્રમુખનો વારો આવતો હોવાથી પક્ષમાં આંતરિક ચર્ચાઓ અને ગોઠવણો તેજ બની છે.
ઈડર નગરપાલિકાની બહુમતી બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા બનતા સત્તા સ્પષ્ટ રીતે ભાજપના હાથમાં રહી છે. મતદારોએ વિકાસના એજન્ડાને ધ્યાનમાં રાખીને ભાજપને બહુમતી આપી છે, ત્યારે હવે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે શહેરની મૂળભૂત સમસ્યાઓ ઉકેલવાની સીધી જવાબદારી ઊભી થઈ છે.
પ્રમુખપદ માટે હાલમાં ચૂંટાયેલી ૬ મહિલા સદસ્યોના નામો રાજકીય વર્તુળોમાં ચર્ચામાં છે. જોકે અંતિમ પસંદગી જિલ્લા અને પ્રદેશ સ્તરના સંગઠનના નિર્ણય પર આધારિત રહેશે. ઉમેદવારની પસંદગીમાં શિક્ષણ, વહીવટી સમજ, શહેરના ભૌગોલિક અને સામાજિક પરિસ્થિતિઓનો અભ્યાસ તથા જનસમર્થન જેવા મુદ્દાઓ મહત્વપૂર્ણ બની શકે છે.
હાલ પરિસ્થિતિ એવી છે કે, પ્રમુખપદ માટે દાવેદારી ખુલ્લેઆમ જોવા ન મળે છતાં અંદરખાને ગોઠવણો જોરશોરથી ચાલી રહી છે. આગામી દિવસોમાં પ્રમુખ અને અન્ય હોદ્દેદારોના નામ જાહેર થતાં રાજકીય ચિત્ર વધુ સ્પષ્ટ થશે. ત્યારે સુધી ઈડરમાં “કોણ બનશે પ્રથમ નાગરિક?” તે સવાલ ચર્ચાના કેન્દ્રમાં જ રહ્યો છે.
પ્રમુખપદ માટે ચર્ચામાં રહેલા દાવેદારો :
– પદ્માબેન મુકેશકુમાર પંડયા
– અનસુયાબેન મનીષભાઈ પટેલ
– સ્મિતાબેન રણવીજયસિંહ ચંપાવત
– અર્ચનાબેન ચિરાગકુમાર શાહ
– આયુષીબેન વિક્રમભાઈ કોઠારી
– નીમાબેન કલ્પેશકુમાર પટેલ




