ઈડરના પોશીનામાં જૈન દેરાસરમાં ચોરી
તસ્કરો પંચધાતુની ૪ પ્રતિમાઓ ઉઠાવી ફરાર, તસ્કરો કેમેરામાં કેદ થયા

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના પોશીના ગામે આવેલ જૈન દેરાસરમાં મંગળવારે રાત્રે અજાણ્યા શખ્સોએ ચોરીના ઈરાદે પ્રવેશ કરીને દેરાસરમાંથી અંદાજે રૂ. ૧.પર લાખની કિંમતની ૪ પંચધાતુની મૂર્તિઓની ચોરી કરી લઈ ગયાની ઘટના બુધવારે પ્રકાશમાં આવતાં જૈન સમાજમાં ફીટકારની લાગણી પ્રસરી છે.
આ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના પોશીના ગામે આવેલ જૈના દેરાસરમાં અનેક જૈનો આસ્થા સાથે દર્શન કરી ધન્યતા અનુભવે છે ત્યારે અજાણ્યા શખ્સોએ મંગળવારે રાત્રે ચોરી કરવા માટે આવેલા શખ્સોએ ઓળખ ન થાય તે માટે શરીર પરથી કેટલાક કપડાં કાઢીને કમરે વીંટાળી દીધા હતા. ત્યારબાદ દેરાસરના દરવાજાને તોડવા માટે સાથે લાવેલા હથિયારથી તોડીને દેરાસરમાં પ્રવેશ કર્યા બાદ અંદાજે રૂ.૧.પર લાખની કિંમતની પંચધાતુની ચાર પ્રતિમાઓની ચોરી કરી હતી. દરમ્યાન તસ્કરોને ખબર ન હોય તેમ દેરાસરમાં લગાવાયેલ સીસીટીવી કેમેરામાં તેમની હરકતો કેદ થઈ ગઈ હતી.
જોકે ચોરીની ઘટનામાં દેરાસરમાંથી ચાર પંચધાતુની પ્રતિમાઓ ચોરાઈ છે. આ પ્રતિમાઓની બજાર કિંમત આશરે ૧ લાખ ૫૨ હજાર રૂપિયાથી વધુ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ આ જ દેરાસરમાં ચોરી થઈ હતી. એક વર્ષના ટૂંકા ગાળામાં ફરીથી ચોરી થતાં જૈન સમાજમાં ભારે રોષ અને ખળભળાટ વ્યાપી ગયો છે. આ ઘટના અંગે જાદર પોલીસ મથકે અજાણ્યા ઇસમો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ મેળવી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને પોલીસે ઘટના સ્થળે જઈ ડોગસ્કોડની મદદથી તસ્કરોનું પગેરૂ મેળવવા માટેની કાર્યવાહી શરૂ કરી દીધી છે.





