સાબરકાંઠામાં પ્રેમી પંખીડાનો કરુણ અંત ખેડબ્રહ્મા નજીક ખેતરમાં લીમડાના વૃક્ષ પર લટકતી હાલતમાં મળ્યા યુવક-યુવતીના મૃતદેહ

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં પ્રેમ સંબંધનો કરુણ અંત આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ખેડબ્રહ્મા નજીક વીરબાવજી મંદિર જવાના માર્ગ પર આવેલ એક ખેતરમાં પ્રેમી પંખીડાએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
પ્રાથમિક માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાની યુવતી અને ખેડબ્રહ્માના યુવક વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પ્રેમ સંબંધ હતો. જોકે કોઈ કારણોસર બંનેએ સાથે જીવન ટૂંકાવવાનો નિર્ણય કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બંનેના મૃતદેહ ખેતરમાં આવેલા લીમડાના વૃક્ષ પર લટકતી હાલતમાં મળી આવતા સ્થાનિકોમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી.
ઘટનાની જાણ થતા ખેડબ્રહ્મા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખેડબ્રહ્માની સરકારી જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ પોલીસ દ્વારા બંનેના પરિવારજનોના નિવેદનો સહિત વિવિધ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.






