વિકાસને નવી દિશા આપશે સાબરકાંઠાના નવા ડીડીઓ એચ.પી.પટેલ

સાબરકાંઠા જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી તરીકે જુનાગઢથી બદલી થઈને આવેલ ભારતીય વહીવટી સેવાના અધિકારી એચ.પી.પટેલે ગુરૂવારે હિંમતનગર સ્થિત જિલ્લા પંચાયત કચેરી ખાતે વિધિવત રીતે કાર્યભાર સંભાળી લીધો હતો. નવનિયુક્ત ડીડીઓના આગમન પ્રસંગે જિલ્લા પંચાયતના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓએ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.
કાર્યભાર ગ્રહણ કર્યા બાદ એચ.પી.પટેલે જિલ્લાના વિકાસલક્ષી કાર્યોને વધુ ગતિ આપવા, ગ્રામ્ય વિસ્તારોમાં અસરકારક આયોજન અમલમાં મૂકવા તથા જનકેન્દ્રિત વહીવટને પ્રાથમિકતા આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે વિકાસ યોજનાઓનો લાભ અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તે માટે સંકલિત અને પારદર્શક વહીવટી વ્યવસ્થા ઉપર ભાર મૂક્યો હતો.
વર્ષ ૨૦૨૧ની બેચના ગુજરાત કેડરના આઈએએસ અધિકારી એચ.પી.પટેલ ઉચ્ચ શૈક્ષણિક અને વહીવટી પૃષ્ઠભૂમિ ધરાવે છે. તેમણે બી.ઈ. સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો છે, જેના કારણે ટેકનિકલ અને પ્રશાસનિક બંને ક્ષેત્રમાં તેમની સમજ મજબૂત માનવામાં આવે છે. અગાઉ તેઓ જુનાગઢ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી તરીકે સફળતાપૂર્વક કામગીરી સંભાળી ચૂક્યા છે. ઉપરાંત મુખ્યમંત્રી કાર્યાલયમાં ઓફિસર ઓન સ્પેશિયલ ડયુટી તરીકે પણ તેમણે જવાબદારી નિભાવી હતી.
સાબરકાંઠા જિલ્લામાં નવા ડીડીઓ તરીકે તેમની નિમણૂક બાદ વિકાસ કાર્યોને નવી ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.




