સાબરકાંઠામાં વિજયનગર તાલુકાની ૦૬- ચિતરીયા તાલુકા પંચાયત ચૂંટણીને અનુલક્ષીને અધિકારીઓને ‘ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટ’ ના પાવર એનાયત કરાયા
સામાન્ય ચૂંટણીનું મતદાન તા.૨૪/૦૫/૨૦૨૬ના રોજ યોજાનાર છે તથા મતગણતરી તા.૨૬/૦૫/૨૦૨૬ના રોજ હાથ ધરવામાં આવશે.

ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા વિજયનગર તાલુકા પંચાયત ૬ – ચિતરીયા બેઠકની સામાન્ય ચૂંટણી -૨૦૨૬ યોજવા વિગતવાર ચૂંટણી કાર્યક્રમ જાહેર થયેલ છે. આ ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને કાયદેસર રીતે સંપન્ન થાય તે હેતુથી સાબરકાંઠા જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા એક મહત્વપૂર્ણ આદેશ બહાર પાડવામાં આવ્યો છે.
ચૂંટણી કાર્યક્રમ મુજબ સાબરકાંઠા જિલ્લાની વિજયનગર તાલુકા પંચાયતના ૬-ચિતરીયા મતદાર વિભાગની સામાન્ય ચૂંટણીનું મતદાન તા.૨૪/૦૫/૨૦૨૬ના રોજ યોજાનાર છે તથા મતગણતરી તા.૨૬/૦૫/૨૦૨૬ના રોજ હાથ ધરવામાં આવશે.
ચૂંટણી કામગીરીમાં રોકાયેલા ચૂંટણી અધિકારીશ્રીઓ, મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓ અને ઝોનલ અધિકારીશ્રીઓને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની (BNSS) કલમ ૧૫ હેઠળ ‘ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટ’ (Special Executive Magistrate) તરીકેના પાવર આપવામાં આવ્યા છે. નિયુક્ત કરાયેલા અધિકારીઓ હવે કલમ-૪૧ (મેજીસ્ટ્રેટે પકડવા બાબત ), કલમ-૧૦૮ (પોતાની હાજરીમાં ઝડતી લેવાની મેજીસ્ટ્રેટની સત્તા),કલમ -૧૦૯ ( રજૂ થયેલા દસ્તાવેજ વગેરે કબજે લેવાની સત્તા)
કલમ-૧૪૮ ( મુલ્કીદરોનો ઉપયોગ કરીને મંડળી વિખેરવા બાબત) અને કલમ-૧૬૩ ( ત્રાસદાયક બાબત કે ભયના સંદેશાના તાકીદના પ્રસંગોમાં હુકમ કરવાની સત્તા) જેવી મેજિસ્ટ્રેટની સત્તાઓનો ઉપયોગ કરી શકશે.
આ સત્તાઓ માત્ર ચૂંટણી સંબંધિત કામગીરી માટે અને જે-તે અધિકારીને ફાળવવામાં આવેલા નિયત વિસ્તાર પૂરતી જ મર્યાદિત રહેશે. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ આ સત્તાઓ આપોઆપ સમાપ્ત થઈ જશે. જો કોઈ અધિકારી આ સત્તાનો દુરુપયોગ અથવા ખોટી રીતે અમલ કરવામાં આવેલ હોવાનું ધ્યાન ઉપર આવશે તો સત્તા પરત ખેંચી લેવામાં આવશે તેવી સ્પષ્ટ સૂચના પણ આપવામાં આવી છે.




