ડાકણ હોવાના વહેમમાં હત્યા કેસ : ૧૨ આરોપીઓ ઝડપાયા

સાબરકાંઠાના વિજયનગર તાલુકાના ગાડીવાંકડા ગામમાં અંધશ્રદ્ધાને કારણે થયેલી હત્યાના બનાવમાં પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ૧૨ આરોપીઓને ઝડપી પાડ્યા છે. મહિલા ડાકણ હોવાના વહેમમાં એક પરિવાર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા મનુભાઈ ડામોરનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
વિજયનગર તાલુકાના ગાડીવાંકડા ગામે ગામમાં રહેતા મનુભાઈ રામજીભાઈ ડામોરના પરિવાર પર કેટલાક લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. મનુભાઈની પત્ની પર ડાકણ હોવાનો વહેમ રાખીને હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. પત્નીને બચાવવા માટે મનુભાઈ ડામોર વચ્ચે પડતા હુમલાખોરોએ તેમના પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો.
આ દરમિયાન મનુભાઈના બંને દીકરાઓ પણ માતા-પિતાને બચાવવા વચ્ચે પડતા તેઓને પણ ઇજાઓ પહોંચી હતી. હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા મનુભાઈ ડામોર અને તેમના બંને દીકરાઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન મનુભાઈ ડામોરનું મોત નિપજ્યું હતું.
ઘટનાને લઈને ચિઠોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે રાયોટિંગ વિથ મર્ડરનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. એલસીબી અને ચિઠોડા પોલીસે સંયુક્ત કામગીરી હાથ ધરી ગણતરીના કલાકોમાં ૧૨ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં પુરુષો તેમજ મહિલાઓનો પણ સમાવેશ થાય છે.
પકડાયેલા આરોપીઓ
૧. વાલજીભાઈ સળુજી ડામોર
૨. જીગ્નેશભાઈ વાલજીભાઈ ડામોર
૩. રોહિતભાઈ કાંતિભાઈ ડામોર
૪. જીવાજી સળુજી ડામોર
૫. નગજીભાઈ સળુજી ડામોર
૬. હીરાજી સળુજી ડામોર
૭. વિજયભાઈ હીરાજી ડામોર
૮. કાંતિભાઈ સળુજી ડામોર
૯. સંગીતાબેન નગજીભાઈ ડામોર
૧૦. અરૂણાબેન વાલજીભાઈ ડામોર
૧૧. શારદાબેન કાંતિભાઈ ડામોર
૧૨. સીતાબેન હીરાજી ડામોર




