વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે હિંમતનગર GMERS સિવિલ હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો


૧૪ જૂન વિશ્વ રક્તદાતા દિવસની સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે હિંમતનગર GMERS સિવિલ હોસ્પિટલ ખાતે પણ વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન એ મહાદાન સમાન માનવામાં આવે છે. વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી આ રક્તદાન શિબિરમાં આર.એમ.ઓ. ડૉ. વિપુલ જાની સહિત ડૉક્ટરો, મેડિકલ વિદ્યાર્થીઓ અને હોસ્પિટલના કર્મચારીઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.
વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી અંતર્ગત હોસ્પિટલ ખાતે રક્તદાન અંગે લોકોમાં જનજાગૃતિ ફેલાવવા માટે આકર્ષક રંગોળી પણ બનાવવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલ દ્વારા દર વર્ષે અંદાજે ૧૫ હજાર યુનિટ જેટલું રક્ત એકત્રિત કરવામાં આવે છે. આ રક્તનો ઉપયોગ પ્રસૂતિ દરમિયાન જરૂરિયાતમંદ માતાઓ, શરીરમાં લોહીનું પ્રમાણ ઓછું ધરાવતા દર્દીઓ તેમજ અકસ્માતગ્રસ્ત દર્દીઓની સારવાર માટે કરવામાં આવે છે. યોજાયેલા આ રક્તદાન કેમ્પ દરમિયાન કુલ ૫૧ જેટલી રક્તની બોટલો એકત્રિત કરવામાં આવી હતી.




