હિંમતનગરમાં નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી અને નિષ્ક્રિયતાના કારણે રખડતા પશુઓનો ત્રાસ

હિંમતનગરમાં રખડતા ઢોરનો ભયાનક ત્રાસ: આખલાએ યુવકને ૩ વાર હવામાં ઉછાળી પછાડ્યો, કુલ ૪ લોકો ઘાયલ
સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી અને નિષ્ક્રિયતાના કારણે રખડતા પશુઓનો ત્રાસ ચિંતાજનક સ્તરે પહોંચી ગયો છે. શહેરમાં અવારનવાર રખડતા ઢોર અને આખલાઓ નિર્દોષ નાગરિકોને નિશાન બનાવી રહ્યા છે, જેના કારણે સ્થાનિકોમાં હિંમતનગર નગરપાલિકા તંત્ર સામે ભારે રોષ વ્યાપી ગયો છે.
હુમલાની ગંભીર ઘટનાઓ અને ઈજાગ્રસ્તો
-
હરેશ શર્મા પર જીવલેણ હુમલો: બેરણા રોડ પર આવેલી નવદીપ સોસાયટીમાં રહેતા હરેશ શર્મા બુધવારે સવારે પોતાની દુકાને જવા નીકળ્યા ત્યારે પાછળથી આવેલા આખલાએ તેમને શિંગડાથી રસ્તા પર પછાડ્યા હતા. તે જ સમયે કૂતરાઓ ભસતા એક આખલો દૂર ગયો, પણ બીજા આખલાએ આવીને તેમને ફરીથી વારંવાર હવામાં ઉછાળી જમીન પર પછાડ્યા હતા. આ હુમલામાં તેમને કમરના ભાગે ૧૬ ટાંકા આવ્યા છે અને બંને હાથમાં ફ્રેક્ચર થયું છે.
-
મહિલાઓ અને કિશોરી પર હુમલો: આ જ આખલાઓએ ગોકુલેશ્વર મહાદેવ મંદિર બહાર બેઠેલાં વૃદ્ધ મહિલાના પગે ઈજા પહોંચાડી હતી અને ગોકુલનગર રેલવે ફાટક નજીકથી પસાર થતી અન્ય એક મહિલાને પણ હડફેટે લીધી હતી.
-
ટ્યુશનથી પાછી ફરતી કિશોરી ઘાયલ: પોલોગ્રાઉન્ડ વિસ્તારની શાકુન્તલ સોસાયટીમાં ટ્યુશનથી ઘરે પરત ફરી રહેલી ‘જાનવી’ નામની કિશોરીને ગાયે અડફેટે લેતાં તેને પેટ, હાથ અને પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી.
-
ખેડ તાશીયા રોડ પર ઘટના: ગોકુલનગર નજીક પણ એક આખલાએ આધેડને અડફેટે લઈ વારંવાર ફંગોળતા તેઓ ગંભીર રીતે ઘવાયાસ હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ પણ સામે આવ્યા છે.
સ્થાનિકોમાં આક્રોશ અને પાલિકાનો દાવો
અવારનવાર મહિલાઓ, બાળકો અને વૃદ્ધો રખડતા પશુઓનો ભોગ બની રહ્યા હોવાથી શહેરીજનોમાં નગરપાલિકા સામે અત્યંત આક્રોશ જોવા મળી રહ્યો છે.
બીજી તરફ, હિંમતનગર નગરપાલિકાના તેજસ પટેલે જણાવ્યું હતું કે હાલ શહેરમાં આખલાઓ વધી ગયા છે અને છેલ્લા એક મહિનામાં ૨૦૦થી વધુ આખલા પકડવામાં આવ્યા છે. પાલિકા દ્વારા દિવસે કામગીરી બંધ રાખી રાત્રિના સમયે ઢોર પકડવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જોકે, આટલી મોટી સંખ્યામાં ઢોર પકડાયા બાદ પણ શહેરમાં પશુઓ ક્યાંથી આવે છે, તે મુદ્દો પાલિકાની કામગીરી સામે મોટા સવાલો ઊભા કરે છે.




