પ્રાંતિજમાં ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો, રૂ. 8,760નો મુદ્દામાલ જપ્ત

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરમાં ગેરકાયદેસર માદક પદાર્થોના વેચાણ અને હેરફેર સામે પોલીસે વધુ એક સફળ કામગીરી હાથ ધરી છે. પ્રાંતિજ પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે દરોડો પાડી એક શખ્સને ગાંજા સાથે ઝડપી પાડી તેની પાસેથી રૂ. 8,760 કિંમતનો ગાંજો કબજે કર્યો છે.
મળતી માહિતી મુજબ, ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક તથા સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં માદક પદાર્થોના ગેરકાયદેસર વેપારને નાબૂદ કરવા વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. પઢેરિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે પ્રાંતિજના જૂના સર્કિટ હાઉસ પાસે હીરોળિયા પીરની દરગાહ નજીક એક વ્યક્તિ ગેરકાયદેસર રીતે ગાંજાનું વેચાણ કરી રહ્યો છે.
બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. દરમિયાન આરોપી પાસેથી 175.20 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂ. 8,760 થાય છે. પોલીસે ગાંજો કબજે કરી આરોપીની અટકાયત કરી હતી.
પોલીસે આરોપી અબીબમીયા ઉર્ફે અભા રસુલમીયા ઝાલોરી (ઉ.વ. 38), રહે. ગલેચી ભાગોળ, બાંખ, પ્રાંતિજ વિરુદ્ધ એનડીપીએસ એક્ટની કલમ 8(સી), 20(બી)(2)(એ) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. પઢેરિયા, પીએસઆઈ પી.જે. રાણા, એએસઆઈ મનીષકુમાર બલભદ્રસિંહ, એએસઆઈ દીપકસિંહ જગતસિંહ તેમજ અન્ય પોલીસ કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.




