હુંજ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો

હિંમતનગર તાલુકાના હુંજ ગામની પ્રાથમિક શાળામાં તા. 25 જૂનના રોજ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન ઉત્સાહભેર કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું આયોજન હુંજ પટેલ સમાજ વાડી ખાતે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગામના આગેવાનો, ગ્રામજનો, પંચાયતના હોદ્દેદારો, હિંમતનગર તાલુકા પંચાયત હિસાબી શાખાના અનુસંધાન અધિકારી દિશાંત પંચાલ તેમજ શાળા પરિવારના શિક્ષકો અને શિક્ષિકાઓ ઉપસ્થિત રહ્યા હતા. ધોરણ 1થી 8 સુધીના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

પ્રવેશોત્સવ દરમિયાન ધોરણ-1માં પ્રવેશ મેળવનાર અંદાજે 10 નવોદિત વિદ્યાર્થીઓનું સ્વાગત કરી તેમને શિક્ષણયાત્રાની શુભ શરૂઆત કરાવવામાં આવી હતી. શાળાના તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અને અભ્યાસ સામગ્રીનું વિતરણ કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
સમગ્ર કાર્યક્રમ ઉત્સવમય વાતાવરણમાં સંપન્ન થયો હતો. કાર્યક્રમ દ્વારા બાળકોમાં શિક્ષણ પ્રત્યે રસ અને જાગૃતિ વધે તેમજ કન્યા શિક્ષણને વધુ પ્રોત્સાહન મળે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.




